અમદાવાદ, તા. 4 (પ્રતિનિધિ તરફથી) : લોકસભા
ચૂંટણી વખતે ભાજપના એજન્ડામાં રહેલો સમાન નાગરિક સંહિતા (કોમન સિવિલ કોડ) લાગુ કરવાની
ઉત્તરાખંડે જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં જ ગુજરાતે એ દિશામાં નિર્ણાયક પગલું ભર્યું
છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,
ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને એકસમાન હક મળે એ દિશામાં સરકાર આગળ વધી
રહી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના
કરવાનો નિર્ણય લેવાયો છે. કમિટી 4પ દિવસમાં અહેવાલ આપશે એની સમીક્ષા બાદ યુસીસી લાગુ કરવા સંબંધે
નિર્ણય લેવામાં આવશે. શ્રી પટેલે ગુજરાતમાં નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાની હેઠળની
પાંચ સભ્યની કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ
અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી.
કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર
ગીતાબેન શ્રોફ પણ સભ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની
ઉપસ્થિતિમાં આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા
અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નેતૃત્વની સરકાર `જે કહેવું
તે કરવું' કાર્યમંત્રને અનુસરે છે. આ સંદર્ભમાં તેમણે
જણાવ્યું કે, 370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ
વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા
હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાન સમાન નાગરિક
ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશાં
પ્રતિબદ્ધ રહ્યું છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા
ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ
ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈ પણ પ્રકારે આદિવાસી સમાજના
કોઈ રીતિ-રિવાજો, કાનૂનો કે અધિકારોને અસર નહીં થાય તેવી કેન્દ્રીય
ગૃહમંત્રી અમિતશાહની વાતનો પુનરોચ્ચાર કર્યો
હતો. હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યું કે,
આદિવાસી સમાજના કાયદાઓ છે તેમનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે. આદિવાસી
સમુદાયના કાયદામાં ફેરફાર નહીં થાય. તેમણે કહ્યું કે, યુસીસી
માટેનો કેન્દ્રએ જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેમાં તમામના હિતનું રક્ષણ છે, જો તમે એ રિપોર્ટને સ્ટડી કરશો તો અંદાજો આવી જશે કે, આદિવાસી સમાજના રીતિ-રિવાજ અને કાયદાઓને કોઈ પણ પ્રકારે નુકસાન થાય એવું કશું
જ યુસીસીના કાયદામાં નથી લાવવામાં આવ્યું.