• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

હજી તો અમારો આ ત્રીજો જ કાર્યકાળ છે : મોદી

આનંદ કે. વ્યાસ દ્વારા : નવી દિલ્હી, તા. 4 : સંસદનાં બજેટસત્રના આરંભે રાષ્ટ્રપતિનાં અભિભાષણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવવા સાથે વિપક્ષ ઉપર પ્રચંડ હુમલો બોલાવ્યો હતો. આ સાથે જ વિકસિત ભારતનાં સપનાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ તો હજી તેમનો ત્રીજો કાર્યકાળ જ છે. આવું કહીને મોદીએ ભાવિ ચૂંટણીઓમાં પણ ભાજપના વિજયનો દાવો કર્યો હતો. મોદીએ ખાસ કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર તીવ્ર પ્રહારો કર્યા હતા.આજે પોતાના ભાષણનો આરંભ કરતાં મોદીએ 14મી વખત રાષ્ટ્રપતિનાં અભિભાષણની ચર્ચામાં ભાગ લેવાનો અવસર મળવા બદલ જનતાનો આભાર માન્યો હતો અને પછી વિપક્ષ ઉપર તડાપીટ બોલાવતાં પોતાની સરકારનાં કામકાજ અને સિદ્ધિઓ ગણાવી હતી. કેજરીવાલ ઉપર વ્યંગ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારનું ધ્યાન જકુઝી અને મોંઘા ફુઆરા ઉપર નહીં બલ્કે દેશની જનતાને પાણીનાં કનેક્શન આપવા ઉપર છે. અમારી સરકારે પાંચ વર્ષમાં 12 કરોડ ઘરોમાં નળનાં જોડાણ આપ્યાં છે. ત્યારબાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને નિશાને લેતાં કહ્યું હતું કે, જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં પોતાનાં ફોટોસેશન કરાવીને મનોરંજન કરે છે તેમને સંસદમાં ગરીબોના હિતની વાત કંટાળાજનક જ લાગશે. આજે સરકારી યોજનાઓનાં માધ્યમથી 2પ કરોડ લોકોએ ગરીબીને હરાવી દીધી છે. મોદીનાં ભાષણ દરમિયાન વિપક્ષ ભારે હંગામો મચાવતો હતો. જો કે મોદીએ તેનાં ઉપર પણ કટાક્ષ કરીને કહ્યું હતું કે, જ્યારે વધુ તાવ ચડી જાય ત્યારે લોકો કંઈપણ બોલવા માંડતા હોય છે.  મોદીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેય સાંસદ હોવાને લઇને પરોક્ષ પ્રહારમાં કહ્યું હતું કે, સંસદમાં એસ.સી. વર્ગના એક જ પરિવારના ત્રણ સાંસદ એક જ સમયમાં થયા છે ? મોદીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ દાયકાથી આપણે ગરીબી હટાવોના નારા સાંભળી રહ્યા હતા પરંતુ છેલ્લા દાયકામાં પચીસ કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવી ચૂક્યા છે. જ્યારે કોઇ કલ્યાણ યોજના સમર્પણથી અમલમાં આવે તો એમાં પૂરતી સંવેદના ભરેલી હોય છે એની ધારી અસર થયા વગર ન રહે, એનું ઉદાહરણ અમારી સરકાર છે. ભાજપની સરકારે છેલ્લા દાયકામાં ગરીબોને ચાર કરોડ ઘર આપ્યા છે. જે લોકો સંઘર્ષમાં જીવ્યા હોય એ લોકો એનું મહત્ત્વ બરાબર સમજે છે. સરકારે 12 કરોડ શૌચાલયો બાંધીને ગરીબોને રાહત આપી છે, એનું મહત્ત્વ જે લોકોએ ક્યારેય સંઘર્ષ ન કર્યો હોય એમને ન સમજાય. સ્વચ્છતા વિશે વડાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉ મહિલાઓ ટોઇલેટ ન હોવાના કારણે કેટલી મુશ્કેલીઓ ભોગવતી એ જેમના ઘરે આ સગવડ હોય એવા લોકોને ન સમજાય. અમે આવા બાર કરોડ પરિવારોને ટોઇલેટ બાંધી આપ્યા અને એમને આવા સામાજિક ક્ષોભમાંથી મુક્તિ અપાવી. મોદીએ કહ્યું હતું કે, દેશના એક વડાપ્રધાનને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન ચાલી હતી, પરંતુ એમણે જ જાહેરમાં કબૂલ્યું હતું કે સરકાર જે એક રૂપિયો મોકલાવે એમાંથી ગરીબોના હાથમાં માત્ર 15 પૈસા જ આવે છે. એ સમયે પંચાયતથી લઇને સંસદ સુધી એક જ પાર્ટી (કોંગ્રેસ અને રાજીવ ગાંધી)ની સત્તા હતી. અમે એ સમસ્યામાંથી સમાધાન મેળવવાનો પ્રયાસ કર્યો અને અમારું મોડેલ વિકસાવ્યું, બચત પણ, વિકાસ પણ, જનતાના પૈસા જનતા માટે...આ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) કાર્યક્રમ અમલમાં લાવ્યા, જેનાથી લોકોના બેન્ક અકાઉન્ટમાં સીધા 40 લાખ કરોડ રૂપિયા પહોંચાડયા. અગાઉ દસ કરોડ બનાવટી લાભાર્થીઓ હતા એ સરકારના પૈસા પચાવી જતા હતા. અમે આવા લોકોને દૂર કરીને સરકારી ખજાનામાં ત્રણ લાખ કરોડ રૂપિયા બચાવ્યા.  ભારતના ભવિષ્યની રૂપરેખા આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે હાલમાં 2025નું વર્ષ છે, એક રીતે આપણે ચોથા ભાગની એકવીસમી સદી પાર કરી ચૂક્યા છીએ. સ્વતંત્રતા બાદ 20મી સદીમાં અને 21મી સદીના પહેલા પચીસ વર્ષોમાં શું થયું એ સમય જ કહેશે પરંતુ આપણે જો બારીકાઇથી રાષ્ટ્રપતિના પ્રવચનનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે આગામી પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનો જનતામાં વિશ્વાસ આપણે પેદા કરી દીધો છે.  મોદીએ કહ્યું હતું કે, ટોઇલેટની વાત પર મોં મચકોડતાં લોકોએ સરકારના સ્વચ્છતા મિશનની પણ ટીકા કરી સરકારી યોજનાઓમાંથી 10 કરોડ બનાવટી લાભાર્થીઓને દૂર કરી દેશની તિજોરી લૂંટતી બચાવી અમારું વિકાસનું મોડેલ છે બચત ભી, વિકાસ ભી, જનતા કા પૈસા, જનતા કે લિયે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમથી લોકોના બેન્ક અકાઉન્ટમાં 40 લાખ કરોડ જમા કરાવ્યા.એક વડાપ્રધાન 21મી સદી શબ્દ વારંવાર ઉચ્ચારતા, એમના પર પ્રસિદ્ધ વ્યંગચિત્રકાર આર કે લક્ષ્મણે કાર્ટૂન બનાવેલું, જેમાં એક પ્લેન અને પાઈલટ દોરાયેલા. પ્લેન એક ગાડામાં રખાયેલું અને કાર્યકરો એ ગાડાને ધક્કા મારી રહ્યા હતા જેના પર 21મી સદી લખેલું હતું કેટલાક લોકો માટે એઆઇ એક ફેશનેબલ શબ્દ છે. મારા માટે એના બે અર્થ છે, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજો એસ્પિરેશનલ ઇન્ડિયા. આ બજેટમાં દેશમાં 50,000 નવી એઆઇ લેબોરેટરી બનાવવાની જોગવાઇ કરી છે એમ તેમણે કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd