કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સામે મૂકેલા આરોપો આખરે
ખોટા ઠર્યા છે. જૂન 2023માં ખાલિસ્તાની
સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના આરોપ મૂકીને ભારે ચકચાર
જગાવનાર ટ્રુડોને ખુદ તેમના જ દેશના એક પંચે ખોટા ઠેરવતો અહેવાલ મંગળવારે આપ્યો હતો.
આ અહેવાલમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે, નિજ્જરની હત્યામાં વિદેશી હાથ હોવાના કોઈ પુરાવા નથી. આમ માત્ર ને માત્ર શીખ
મતબેંકને રાજી કરવા ટ્રુડોએ ભારત સામે મૂકેલા આરોપો ધરાશાયી થયા છે. કેનેડાના વડાપ્રધાનના
આવા પાયા વગરના આરોપોને લીધે ભારત સાથેના દ્વિપક્ષીય
સંબંધ વણસી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રુડોએ કેનેડાની
સંસદમાં આરોપ મૂક્યો હતો કે, નિજ્જરની હત્યામાં ભારતીય નાગરિકો
અને એજન્સીનો હાથ હતો. સ્વાભાવિક રીતે આ આરોપોને લીધે વિશ્વભરમાં ભારે ચકચાર જાગી
હતી. ભારતે કેનેડા સરકાર પાસે તેના વડાપ્રધાનના આરોપોના સંદર્ભમાં પુરાવા માગ્યા હતા,
પણ આજ દિવસ સુધી આ આરોપો માટેના આધાર-પુરાવા ટ્રુડો કે તેમની સરકાર આપી
શકી નથી. હવે તેમના દેશના પંચના અહેવાલથી આરોપો પાયા વગરના હોવાની સાબીતી થઈ ગઈ છે.
આમ તો આ પંચના અહેવાલથી ટ્રુડોને બેવડો માર પડયો
છે. આ આરોપો મૂકીને રાજકીય લાભ મેળવવાનો
તેમનો પેંતરો અગાઉ વિફળ રહ્યો હતો. તેમને વડાપ્રધાનપદ
છોડવાની ફરજ પડી છે અને હાલે તેઓ કાર્યવાહક હોદ્દા પર કાર્યરત છે. કેનેડા સહિતના પશ્ચિમી
દેશો અભિવ્યક્તિની આઝાદીના ઓઠા તળે ભારતના અલગતાવાદીઓને છુટ્ટો દોર આપી રહ્યા છે. ખરેખર
તો આ દેશોની ફરજ બને છે કે, દુનિયાની સૌથી મજબૂત લોકશાહી ધરાવતા
ભારતની સામેના કોઈ પણ કાવતરાંને વિફળ બનાવવામાં આગળ આવે, પણ કેનેડા સરકારનાં વલણને
લીધે વધુ એક વખત આવા દેશોની ભારત વિરોધી માનસિક્તા છતી થઈ છે. ખરેખર તો કેનેડા અને
તેના મિત્ર દેશોએ હવે ભારત અંગેનાં વલણને સુધારવાની આવશ્યક્તા છે. કેનેડામાં તો આ વર્ષે
ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે બન્ને દેશે ભૂતકાળ વિસરીને પોતાના
નાગરિકોનાં વ્યાપક હિતોને ધ્યાને લઈને સંબંધો સુધારવા માટે પહેલ કરવી જોઈએ. કેનેડાને
યાદ રાખવું જોઈએ કે, તેને ત્યાં ભારતીય મૂળના શીખ સમુદાય ઉપરાંત
અન્ય ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ભારતીય સમુદાયને વિઝાના કડક નિયમોથી કનડવાને
બદલે કેનેડાએ તેમની મદદથી પોતાના વિકાસમાં તેમને પૂરક બનાવવાનો માહોલ ખડો કરવો જોઈએ.
ભારતે પણ તેના નાગરિકો મોટી સંખ્યામાં કેનેડામાં વસવાટ કરતા હોવાથી તેમનાં હિતોના રક્ષણ
માટે સંબંધોને ફરી પાટે ચડાવવા હકારાત્મક વલણ લેવાની જરૂરત રહેશે. આમ આવનારો સમય બન્ને
દેશો માટે હકારાત્મક નવી શરૂઆતનો બની રહે તેમ છે અને તેમાં ટ્રુડોના ખોટા ઠરેલા ભારત
વિરોધી આરોપોનો મુદ્દો ચાવીરૂપ બની શકે તેમ છે.
સાથોસાથ હવે ટ્રુડોએ વાસ્તવિક્તા સ્વીકારીને પોતાના દેશ અને ખાસ તો ભારતની માફી
માગવામાં ખચકાવું જોઈએ નહીં.