વિશ્વમાં આર્થિક ઉદારીકરણ અને
મુક્ત વેપારના યુગના અંતનો આરંભ થઈ ગયો છે. વૈશ્વિક રીતે અર્થતંત્રને નિયંત્રણોથી
મુક્ત કરીને વેપારી રીતે સમાન તકો દ્વારા વિકાસની સમાન તકો સર્જવાના સ્વપ્નની આડે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી વેરા લાદવાની આક્રમક નીતિનું
ગ્રહણ લાગી ચૂક્યું છે. સત્તા સંભાળતાની સાથે ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટના તેમના વિઝનને સાકાર કરવા કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી
આયાત પર મોટા પાયે વેરા લાદવાના આદેશ પર સહી કરીને વિશ્વમાં ફરી એક વખત વેપારી
જંગના મંડાણ થઈ ગયા છે. સ્વાભાવિક રીતે આ ત્રણે દેશે અમેરિકાની આયાત પર વેરા
લાદવાની વળતી કાર્યવાહી કરી દીધી છે. આ ઓછું હોય તેમ ટ્રમ્પે યુરોપના દેશો સામે પણ
આવા દંડાત્મક વેરા લાદવાનો ઈરાદો જાહેર કરી દીધો છે. આવનારા સમયમાં વેરા લાદવાની આ
કાર્યવાહી એક મોટા વૈશ્વિક ટ્રેડ વોરનું સ્વરૂપ લે એવી પૂરી શક્યતા જાગી રહી છે,
તેવા સમયે દુનિયા આખીમાં વેપારી અને આર્થિક અનિશ્ચિત્તાનો ભય વ્યાપી
ગયો છે. આવા સંજોગોમાં ભારતે પણ ચેતવા જેવું હોય તેમ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. આમ તો ટ્રમ્પે ભારત સામે પણ પગલાંની ચીમકી આપી
જ છે, પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દોસ્તી અને ભારતના વેપારી પ્રભાવને જોતાં અમેરિકાના
રાષ્ટ્રપતિ કોઈ કાર્યવાહી કરવાથી અળગા રહ્યા છે. શક્ય છે કે, મોદીની અમેરિકા મુલાકાત દરમ્યાન વેપારના ચાવીરૂપ મુદ્દે નક્કર ચર્ચા બંને
દેશ દ્વારા કરવામાં આવે. ભારતે પણ આ મામલે શાંતિથી રાહ જોવાનું વલણ લીધું છે. ખાસ
તો ટ્રમ્પ ભારતને વેપારી સરપ્લસ ઘટાડવા આગ્રહ કરી શકે છે. ભારત અમેરિકાની વેપારી
નાડને બરાબર પારખે છે. અમેરિકા પાસેથી શત્રો, ક્રૂડ તેલ,
ગેસ જેવી ખરીદી વધારીને તે ટ્રેડ સરપ્લસ ઘટાડી શકે તેમ છે.
અમેરિકાને રાજી કરવા ભારત તેને વેરામાં રાહત આપે તો બીજા દેશો પણ આવી રાહતની
અપેક્ષા રાખે અને સરવાળે દેશના અર્થતંત્ર સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે. વળી, કોઈ
પણ સ્વરૂપની વૈશ્વિક આર્થિક કટોકટીથી ભારતને તકલીફ ઊભી થઈ શકે છે. ખાસ તો ભારતમાં
વિદેશી રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે. હાલે ડોલરની સરખામણીએ સતત ધોવાતા જતા
રૂપિયાનું વધુ અવમૂલ્યન થઈ શકે છે. આવા સંજોગોમાં ભારતીય અર્થતંત્ર સામે મોટો
પડકાર આકાર લઈ રહ્યો છે. આમ તો ટ્રમ્પ પણ એક સાથે સંખ્યાબંધ વેપારી મોરચે જંગ ખોલે
એવી શક્યતા પણ નહીંવત છે, તેઓ હાલે ચીન, રશિયા, લેટિન અમેરિકાના દેશ અને યુરોપના દેશોની સામે
મોરચો ખોલી રહ્યા છે. પણ સૌથી મોટું જોખમ એ છે કે, આ
ટ્રેડવોરથી વિશ્વનાં અર્થતંત્ર સામે મોટું
જોખમ ઊભું થશે એ નક્કી જણાય છે. અમેરિકા કેનેડા અને યુરોપિયન યુનિયન જેવા
મિત્રદેશોની સામે વેરા લાદવાની હદે જઈ રહ્યંy છે, ત્યારે આવી પરિસ્થિતિનો
ચીન લાભ લઈ શકે તેમ છે. આમ થાય તો વિશ્વમાં નવાં વ્યૂહાત્મક સમીકરણો આકાર લે તો
અમેરિકાને જ નુકસાન જઈ શકે છે. ટ્રમ્પે આ વસ્તવિકતા સમજવાની ખાસ જરૂરત છે.