ગાંધીધામ, તા. 4 : અમદાવાદ કાલુપુર રેલવે મથક, અમદાવાદ એરપોર્ટ તથા પ્રયાગરાજ (કુંભમેળા)માં
શ્રેણીબદ્ધ મોટા ધડાકા કરવાની ધમકી આપનાર અરૂણકુમાર દિનેશચંદ્ર જોશીને ગાંધીધામના પડાણામાંથી
રેલવે પોલીસે પકડી પાડયો હતો. અમદાવાદ રેલવે મથકે રેલવે પ્રોટેક્શન ફોર્સના સરકારી
નંબર ઉપર ગત તા. 1/2ના સવારના
ભાગે એક મેસેજ આવ્યો હતો જેમાં પાકિસ્તાન ઝિંદાબાદ,
તા. 12/2 કો હમ કાફિરો
કો જહન્નુમ ભેજેંગે, રોક સકો તો
રોક કે દિખા દેના, અમદાવાદ રેલવે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ, કુંભમેળા અબ હોગા બડા ધમાકા વગેરે લખાણ
હતું. આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ મથકે તા. 1/2ના બપોરે ફરિયાદ નોંધાઇ હતી
જેની તપાસ અમદાવાદ પશ્ચિમ રેલવે એલ.સી.બી.ની ટીમે હાથ ધરી હતી. આ મોબાઇલધારક ગાંધીધામના
પડાણામાં હોવાનું બહાર આવતાં રેલવે પોલીસ અહીં ધસી આવી હતી અને શ્રેણીબદ્ધ બોંબ ધડાકા
કરવાની ધમકી આપનાર મૂળ મધ્યપ્રદેશના અરૂણકુમાર દિનેશચંદ્ર જોશીને પકડી પાડયો હતો. પડાણામાં
ચામુંડા માતાના મંદિરની બાજુમાં શાકભાજીની લારી તથા કરિયાણાની દુકાન ચલાવતા આ શખ્સને
રેલવે પોલીસ પોતાની સાથે લઇ ગઇ હતી. આ શખ્સની પૂછપરછ કરાતાં પડાણા બાજુ એક ટિમ્બરમાં
રસોયા તરીકે કામ કરનારા એક શખ્સે તેના તથા અન્ય લોકોના પૈસા ચાંઉ કરી નાસી ગયો હતો
જેનો મોબાઇલ આ અરૂણ જોશી પાસે હતો. ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હોવાથી આસામના શખ્સને
હેરાન કરવાના ઇરાદાથી તેણે રેલવે પોલીસમાં
શ્રેણીબદ્ધ ધડાકાનો મેસેજ કર્યો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. તેમ
છતાં ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીના રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી રેલવે પોલીસે
હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. રેલવે પોલીસના પી.આઇ. એચ. કે. શ્રીમાળી, પી. આર. સોલંકી, પી.એસ.આઇ.
જે. એલ. રાખોલ તથા ટીમ જોડાઇ હતી.