નવી દિલ્હી, તા.3: સુપ્રીમ
કોર્ટે આજે એક મોટા આદેશમાં કેન્દ્ર અને રાજ્યોને આગામી આદેશ સુધી વનક્ષેત્રોને
કાપવા ઉપર રોક લગાવી દીધી છે. ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને ન્યાયમૂર્તિ વિનોદ
ચંદ્રનની પીઠે વન સંરક્ષણ અધિનિયમ-2023માં સુધારાને પડકારતી અરજીઓની
સુનાવણી કરી હતી. કેન્દ્ર વતી રજૂઆત કરતાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ
કોર્ટને કહ્યું હતું કે, તેઓ આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓનો જવાબ ત્રણ અઠવાડિયામાં દાખલ કરશે.
જેને પગલે બેન્ચે સુનાવણી 4 માર્ચ સુધી મુલતવી રાખી હતી. ગયા
વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે 2023ના સુધારેલા કાયદા હેઠળ જંગલની
વ્યાખ્યામાં આશરે 1.99 લાખ ચોરસ કિલોમીટરની વન્યભૂમિને જંગલના
ક્ષેત્રમાંથી બાકાત રાખી દેવામાં આવેલું છે. ખંડપીઠે ધ્યાન દોર્યું હતું કે જંગલની
જમીન પર પ્રાણી સંગ્રહાલય ખોલવા અથવા સફારી શરૂ કરવાના કોઈપણ પ્રસ્તાવ માટે
સુપ્રીમ કોર્ટની મંજૂરી જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તેની વેબસાઇટ પર રાજ્યો અને કેન્દ્રશાસિત
પ્રદેશો દ્વારા પ્રદાન કરવામાં આવતા વન આવરણની તમામ વિગતો મૂકશે. આ સાથે જ
વચગાળાનો આદેશ જારી કરતાં અદાલતે કહ્યું હતું કે, સંરક્ષિત
ક્ષેત્રો સીવાય અન્ય વનક્ષેત્રોમાં સરકાર કે અન્ય કોઈપણ ઓથોરિટી દ્વારા વાઈલ્ડ
લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં ઉલ્લેખિત પ્રાણીસંગ્રહાલયો
અને સફારીની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવશે નહીં. તેના વચગાળાના આદેશમાં
ખંડપીઠે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટી. એન.ટી.એન. ગોડાવર્મન થિરુમુલપદ
વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સર્વોચ્ચ અદાલતના 1996ના ચુકાદામાં જંગલની વ્યાખ્યા
અનુસાર કામ કરવા જણાવ્યું હતું.