કાઠડા (તા. માંડવી), તા. 4 : ગંગાની પવિત્રતાની
અનુભૂતિ થશે જ, પરંતુ તનની શુદ્ધિ સાથે
મનની શુદ્ધિ થાય એ માટે બને એટલો વધુ સત્સંગનો લાભ લેવો જોઈએ તેવું સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર
દેવાચાર્યજી મહારાજે શિબિરમાં શ્રદ્ધાળુઓને સંબોધતાં જણાવ્યું હતું. મહાકુંભના આરંભથી ગુજરાત-અમદાવાદનાં કલ્કી તીર્થધામ
પ્રેરણાપીઠ અને હરિદ્વારના જગન્નાથ ધામનાં સંયુક્ત નેજા હેઠળ સાત એકરની શિબિરમાં દેશનાં
અગ્રણી સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા ઉત્તરપ્રદેશ સરકારના મહાનુભાવોની
આવનજાવન શરૂ થઈ ચૂકી છે. આ શિબિરનું સંચાલન સતપંથના જનાર્દનહરિજી મહારાજ કરી રહ્યા
છે. મહાકુંભના આરંભ પૂર્વે નિર્મલ અખાડાની
શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શણગારેલા વિભિન્ન રથ, ઊંટ
તથા વાહનોમાં સાધુ સંત મહાત્માઓનાં દર્શનાર્થે રસ્તાઓ પર બન્ને તરફ જનમેદની ઊમટી હતી.
શાહી સ્નાનના દિવસે નિર્મલ અખાડાની પરંપરા મુજબ સતપંથ સંપ્રદાયના અનુયાયીઓએ પણ ભાગ
લીધો હતો. ભીડ વધતાં સતપંથની શિબિરમાં નવીન ટેંટોનું નિર્માણ થઈ રહ્યું છે એમ સંસ્થાના
ટ્રસ્ટી અને પ્રવક્તા દેવજીભાઈ પટેલે જણાવ્યું હતું. આ શિબિરમાં પ્રસિદ્ધ વક્તાઓ દ્વારા
શિવપુરાણ, ભાગવત કથા, રામકથાનું આયોજન કરાયું
છે. પ્રસંગોપાત જગતગુરુજીના પણ પ્રવચનો થશે. શિબિરમાં જરૂરિયાતમંદો માટે મેડિકલ કેમ્પ
ચાલુ છે. દરરોજ હજારો યાત્રાળુઓ અન્નક્ષેત્રનો લાભ લઇ રહ્યા છે.