• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વિકસિત ભારતનો કર્તવ્યપથ

સંપાદકીય.. : કુંદન વ્યાસ : કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને `સર્વજન હિતાય, સર્વજન સુખાય' માટે સ્વપ્નીલ બજેટ રજૂ કરીને વિરોધીઓને અવાક્ કરી દીધા છે અને નાગરિકોને ખુશ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટની પૂર્વ સંધ્યાએ જાહેરમાં મા મહાલક્ષ્મીને પ્રાર્થના કરી હતી કે, અમારા સમાજમાં ગરીબ અને મધ્યમવર્ગ ઉપર કૃપાદૃષ્ટિ રાખજો. આવી જ પ્રાર્થનામાં પગારદાર મધ્યમવર્ગ પણ મનોમન જોડાયા હશે. આ પ્રાર્થના જરૂર ફળી છે. મહાલક્ષ્મીના અવતારમાં નિર્મલા સીતારામને મધ્યમવર્ગ ઉપર જાણે રાહતોની વર્ષા કરી છે. મધ્યમવર્ગને આવકવેરામાં મળેલી રાહતથી ખરીદશક્તિ વધશે અને સમગ્ર અર્થતંત્ર ગતિમાન-શક્તિમાન બની શકશે. મધ્યમવર્ગ ઉપરાંત કિસાનોથી લઈને સ્ટાર્ટઅપના ઉદ્યોગો-ઉદ્યમીઓને પ્રોત્સાહિત કર્યા છે. આ બજેટ શ્રેષ્ઠ ભારત - વિકસિત ભારતની મંજિલે પહોંચવાનો કર્તવ્યપથ કંડાર્યો છે. આર્થિક સુધારાનો નવો અધ્યાય શરૂ થાય છે. અત્યારે બેકારી અને ખરીદશક્તિના અભાવે અર્થતંત્રમાં તેજી આવતી નથી. વિશ્વમાં વિકસિત દેશોમાં પણ આર્થિક મંદીનાં વાદળ ઘેરાયાં છે અને ચર્ચા - ચિંતા થઈ રહી છે ત્યારે ભારતમાં પાણી પહેલાં પાળ બાંધવાનાં પગલાં બજેટમાં લેવાયાં છે. ભારતમાં એકંદર ખરીદીના પચાસ ટકા ખરીદી મધ્યમવર્ગ કરે છે. અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે, તેથી મધ્યમવર્ગને અપાતી રાહત આખરે તમામ ઉદ્યોગ-ધંધાને લાભદાયી નીવડે છે અને મધ્યમવર્ગ અર્થતંત્રના કરોડરજ્જુનો ભાગ ભજવે છે. આવશ્યક ચીજોનો ભાવવધારો અંકુશમાં રાખવા માટે - તુવેર, અડદ અને મસૂરદાળ ઉપરાંત  ખાદ્યતેલોનો પુરવઠો જળવાઈ રહે તેની વ્યવસ્થા થઈ છે. શાકભાજી અને ફળફળાદીનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન છે. સંસદનાં બજેટસત્રના આરંભે વડાપ્રધાન મોદીએ મધ્યમવર્ગના વિકાસ અને સમૃદ્ધિ વિકસિત ભારતના પાયામાં હોવા ઉપર વિશેષ ભાર મૂકીને વારંવાર તેનો ઉલ્લેખ કર્યો હતો. એમણે મા મહાલક્ષ્મીને પ્રાર્થના પણ કરી કે, `દેશના ગરીબ અને મધ્યમવર્ગને આશિષ આપો - કૃપા કરો...' મા મહાલક્ષ્મીને કરાયેલી પ્રાર્થના તો નાણાપ્રધાન  નિર્મલા સીતારામન માટે દિશાસૂચન હતું. અંદાજપત્રની રૂપરેખા - દરખાસ્તોને આખરી સ્વરૂપ અપાય, લેખિત બનાવાય તે પહેલાં જ સૂચનો તો અપાઈ ગયાં હશે - મધ્યમવર્ગનું ધ્યાન રાખજો. રહેમ રાખજો... સંસદ સમક્ષ રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં મધ્યમવર્ગના લોકો અને ઉદ્યોગો-ઉદ્યમીઓના ઉત્કર્ષ ઉપર ભાર મુકાયો છે અને સંસદનાં બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતાં - મંગળ પ્રવચનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ વારંવાર મધ્યમવર્ગના ઉત્કર્ષ ઉપર ભાર મૂક્યો : `મધ્યમવર્ગનાં સ્વપ્ન મોટાં, ઊંચાં હોય તો રાષ્ટ્રનો વિકાસ ઉચ્ચ શીખરો સર કરે' - ભારત સરકારે આ પ્રથમ વખત મધ્યમવર્ગના મહત્ત્વ અને યોગદાનની નોંધ લીધી છે. વીતેલાં વર્ષ 2024ના જાન્યુઆરી તથા જૂનના મંગળ પ્રવચનોમાં રાષ્ટ્રપતિજીએ વિકસિત ભારતના ચાર સ્તંભ - ગરીબ, યુવા, મહિલા અને કિસાન વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે આમાં દેશના મધ્યમવર્ગનો ઉમેરો થયો છે. રાષ્ટ્રપતિજીએ એમના મંગળ પ્રવચનમાં આઠ વખત `મધ્યમવર્ગ'નો ઉલ્લેખ કર્યો. 25 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર ઊઠીને `મધ્યમવર્ગ'માં જોડાયા છે તેની પણ નોંધ લીધી. વિકસિત ભારત નિર્માણ ઉપરાંત મધ્યમવર્ગનું મહત્ત્વ રાજકીય સ્થિરતા માટે પણ હોવાનું વડાપ્રધાન મોદી જાણે, સ્વીકારે છે. પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે તેની જાહેરસભાઓમાં પણ મોદીએ મધ્યમવર્ગને બિરદાવ્યો છે. મધ્યમવર્ગ બેકારી અને ભાવવધારા વચ્ચે પીસાય છે તે સર્વવિદિત છે. આર્થિક સર્વેક્ષણમાં પણ જણાવાયું છે કે, કોર્પોરેટ ક્ષેત્રમાં છેલ્લાં પંદર વર્ષમાં સૌથી વધુ મોટો નફો થયો છે - પણ કર્મચારીઓના વેતનમાં વધારા થયા નથી અને નવા કર્મચારીઓની ભરતી પણ થઈ નથી. સરકાર અર્થતંત્ર નિયંત્રણમુક્ત કરી રહી છે અને હવે વધુ `મુક્તિ'નાં પગલાં લેવાઈ રહ્યાં છે, પણ કોર્પોરેટ ખાનગી ક્ષેત્ર આ નિયંત્રણ-મુક્તિને `આઝાદી' ગણીને આબાદીમાં સૌને સહભાગી બનાવે એ જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd