• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

સારું કામ કરનારાઓને સન્માનવાનું કામ ઉત્તમ

મુંબઈ, તા. 4  (અમારા પ્રતિનિધિ તરફથી): બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા શનિવારે રાતે યોજાયેલા 40મા ગિરનાર એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે સારું કામ કરતા લોકોને એવોર્ડ આપી બિરદાવવાનું કાર્ય ઉમદા છે. સમર્પણભાવ વિના આ કામ ન થઈ શકે. મંગલપ્રભાત લોઢાએ કહ્યું કે, હું બે વ્યક્તિનો ઉલ્લેખ કરીશ એક તો હેમરાજ શાહ જે સંસ્કૃતિના જતન માટે કામ કરે છે. બીજા કુન્દનભાઈ વ્યાસ અખબારના માધ્યમથી ગુજરાતી ભાષા માટે યોગદાન આપે છે. સમાજને આપવાનો જ એમનો ઉદ્દેશ છે. દાદરના યોગી સભાગૃહમાં આયોજિત 20 સિદ્ધિપ્રાપ્તને ગિરનાર એવોર્ડ કેબિનેટ પ્રધાન લોઢાના હસ્તે અપાયા હતા.આ પ્રસંગે સુખદેવદાસજી સ્વામી (વડતાલ)ને ગુજરાતી ગૌરવ એવોર્ડ એનાયત થયો હતો. પ્રતિભાવ આપતાં સ્વામીજીએ જણાવ્યું કે, દુનિયા સારું કામ કરતા લોકોની નોંધ લે છે. અમે 500 કિ.મી. દૂર છીએ છતાં અમારા કામની સુગંધ અહીં સુધી પહોંચી છે એનાથી કામ કરનારાને નવી ઊર્જા મળે છે. સમારોહના મુખ્ય મહેમાન જન્મભૂમિ જૂથના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, હેમરાજભાઈ ગુજરાતી ભાષા માટે ઘણું કામ કરે છે. ભાષા માટે આટલું કાર્ય બીજા કોઈએ નહિ કર્યું હોય. આરંભમાં સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ શાહે સ્વાગત કર્યું હતું. સમાજના પ્રમુખ ડો. નાગજીભાઈ રીટા સમાજની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. ગિરનાર એવોર્ડ વિતરણમાં સૌપ્રથમ લલિત ગાંધીને સવાયા ગુજરાતી એવોર્ડ અપાયો હતો. જન્મભૂમિના એક્ઝિક્યુટીવ એડિટર આશિષ ભીંડેને પત્રકારત્વનો એવોર્ડ એનાયત કરાયો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકારો સોનાલિકા જોશી અને મંદાર ચંદારકરને (ભીડે) બિનગુજરાતી એવોર્ડ અપાયા હતા. સાહિત્યનો એવોર્ડ દિલીપ ઝવેરીને અને હેલ્થકેર એવોર્ડ ડો. દિનેશ કે. દફતરીને એનાયત થયો હતો. આ ઉપરાંત, સિનેસ્ટાર એવોર્ડ ધર્મેન્દ્ર ગોહિલ અને ભક્તિ રાઠોડ, નાટયરત્ન એવોર્ડ મેહુલ બુચ અને ગાયત્રી રાવલને, સંગીતનો એવોર્ડ હનીફ-અસલમ બંધુઓને, લોકગાયક એવોર્ડ સુનીલ સોનીને, પ્રવક્તા એવોર્ડ કવિ શોભિત દેસાઈને, રમતગમતનો એવોર્ડ નીતિન છાડવા, નારીરત્ન એવોર્ડ અલ્પના બુચ અને ડો. દેવાંશી વિઠ્ઠલાણી, વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ હસમુખ આર. ગડા અને રમેશ એસ. ડાઘાને એનાયત થયા હતા.એવોર્ડ વિજેતાઓ વતી મેહુલ બુચે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સમાજના મહામંત્રી રાજેશ દોશીએ આભારવિધિ કરી હતી. સંચાલન શોભિત દેસાઈએ કર્યું હતું. પસંદગી સમિતિના ભરત ઘેલાણી, ઉદય એચ. શાહ, સમાજના મંત્રી એડવોકેટ પીયૂષ એમ. શાહ, ચીમન મોતા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગ્લોબલ બુકના પ્રમુખ મનીષકુમારે ગુજરાતી સમાજ ભવનને ક્વોલિટી એક્સેલન્સ એવોર્ડ એનાયત કર્યો હતો જેનો હેમરાજભાઈ શાહે સ્વીકાર કર્યો હતો. સમારોહના આરંભમાં સુનીલ સોની ગ્રુપના કલાકારોએ ગુજરાતી ગીતોનો સંગીતમય કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd