• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

મેઘપર (બો.)માં ત્રણ શખ્સે કારમાં આગ ચાંપી દીધી

ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીમાં એક ઘરમાં જઇ યુવાનને ધમકીઓ આપી તેની કાર સળગાવી નાખતાં ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો દર્જ થયો હતો. મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેનાર ફરિયાદી દીપ કાંતિલાલ હડિયા (આહીર) ગઇકાલે રાત્રે આદિપુર બાજુ હતો, ત્યારે મુકેશ રાણાએ ફોન કરી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરું છું, તું મને રોકડા આપ તેમ કહી ફરિયાદીના ખાતાંમાં રૂા. 2000 મોકલાવ્યા હતા. ફરિયાદી તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સર્કલે ત્યાં રૂપિયા આપવા જતાં મુકેશ રાણા, પ્રિન્સ પપ્પુનાથ, દેવ વાધવાણી ફરિયાદીને પકડવા લાગતાં તે પોતાના ઘરે નાસી જઇ ઘરના દરવાજા બંધ કરી નાખ્યા હતા. આરોપીઓ ફરિયાદીના ઘરે આવી ગાળાગાળી કરી કાર નંબર જી.જે. 12 એફ.સી.-4683માં આગ લગાડી નાસી ગયા હતા, જેમાં કાર સંપૂર્ણ સળગી ગઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. - રતનાલમાં સગપણ મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ : ગાંધીધામ, તા. 4 : અંજારના રતનાલમાં સગપણ મુદ્દે બે પરિવારો વચ્ચે માથાકૂટ થતાં બંને પક્ષના બે મહિલાને ઇજાઓ પહોંચી હતી. રતનાલ કબીર શેરીમાં રહેનાર સમીબેન સામજી ગોકળ વરચંદ (આહીર)એ કિશોર ઉર્ફે કેશુ કાનજી વરચંદ, વીસા બચુ, શામજી બચુ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદીના દીકરાની સગાઇ અંગે મનદુ:ખ રાખી આરોપીઓએ મહિલાને  માર મારી બાદમાં કિશોરે પાઇપ વડે હુમલો કર્યો હતો. સામા પક્ષે ભરત કાનજી જીવા વરચંદએ સમીબેન શામજી વરચંદ, લાલા શામજી વરચંદ, ભરત નારાણ માતા સામે ફરિયાદ કરી હતી. સગપણ મુદ્દે મનદુ:ખ રાખી સમીબેન અને લાલો ફરિયાદીની માતાને માર મારી રહ્યા હતા, ત્યારે ભરત માતા માણસોની વચ્ચે તીવ્ર ગતિએ ગાડી લઇ આવી ફરિયાદીના માતાને ધોકા વડે માર મારવા જતાં લોકોએ તેને પકડી લીધો હતો. બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. - માનગઢ પાસે દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ : ગાંધીધામ, તા. 4 : રાપરના માનગઢ નજીક બાઇકથી જતા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. માનગઢથી રણ તરફ બાઇકથી જતા શખ્સે પોતાની પાસે બંદૂક રાખી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઇકાલે સાંજે કાચા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. માર્ગ પર બાઇક નંબર જી.જે. 12 એ.એમ.-2733 આવતાં તેને રોકાવી તપાસ કરાતાં દેશી બંદૂક મળી આવી હતી. બાઇકચાલક હનીફ નજરમામદ ઇસ્માઇલ હિંગોરજા (રહે. ટગા)ની પોલીસે અટક કરી હતી. તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરાઇ હતી. આ અગ્નિશત્ર તેણે પોતે બનાવ્યું હતું. તેણે પાકરક્ષા માટે કે શિકારી પ્રવૃત્તિ માટે બંદૂક પોતાની પાસે રાખી હતી તે બહાર આવ્યું નહોતું, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. - નાની હમીરપર ગામની સીમમાં આધેડનું શંકાસ્પદ રીતે મોત : ગાંધીધામ, તા. 4 : રાપર તાલુકાના નાની હમીરપર ગામની સીમમાંથી જગદીશ નારણ રજપૂત (ઉ.વ.58) નામના આધેડ મૃત હાલતમાં  મળી આવ્યા હતા. નાની હમીરપર ગામમાં એકલવાયું જીવન જીવતા અને મજૂરી કરતા જગદીશ રજપૂતની લાશ તા. 3/2ના મળી આવી હતી. તે પહેલાં આ આધેડનું ગમે તે કારણે મોત થયું હતું. સીમાડામાં આ આધેડનું મોત ખરેખર કેવી રીતે થયું હશે તે જાણવા પોસ્ટ મોર્ટમ અભિપ્રાય આવે બાદમાં હકીકત બહાર આવે તેમ હોવાનું આડેસર પી.આઇ. જે. એમ. વાળાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd