• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

લંડનના દાતાના સહયોગથી ચાલે છે નાગોરની શાળા

રમેશ આહીર દ્વારા : રાયધણપર (તા. ભુજ), તા. 4 : ભુજ તાલુકાના નાગોર ગામે વર્ષ 2004થી શરૂ કરાયેલી રશીમીડ શાળા લંડન સ્થિત દાતાઓના સહયોગથી ચાલે છે, જેમાં  ધો. નવ અને 10 ગુજરાતી માધ્યમમાં અભ્યાસ ચાલુ છે. કુલ 42 છાત્રને  પાંચ શિક્ષકની ટીમ દ્વારા ઉચ્ચ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. શાળાની સ્થાપનાથી માંડીને સંચાલન સુધીની વિગતો જણાવતાં બીબીસી ન્યૂઝ ચેનલના પત્રકાર ભાસ્કર સોલંકી (મૂળ બોણંદ (વલસાડ) હાલે યુ.કે.)એ કચ્છની મુલાકાત દરમ્યાન `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, તેઓ ભૂકંપ વખતે કચ્છમાં કવરેજ માટે આવ્યા હતા. ત્રણ પેઢીથી યુ.કે. લંડનમાં રહેતા શ્રી સોલંકીને 2001માં ભૂકંપ વખતે કવરેજ માટે આવ્યા પછી કચ્છના લોકો માટે કંઇક કરવાની ઇચ્છા જાગી હતી અને કચ્છના ગ્રામીણ વિસ્તારમાં બાળકો માટે નાગોરમાં શાળા શરૂ કરવાના ઉદ્દેશથી લંડન સ્થિત દાતાઓ સમક્ષ રજૂઆત કરી હતી અને દાતાઓનો વિશ્વાસ મેળવવા લેસ્ટર યુ.કે. ખાતે રશીમીડ ફાઉન્ડેશન નામથી રજિસ્ટ્રેશન કરાવી ફંડ એકત્ર કર્યું હતું. તેઓએ લંડનમાં રશીમીડ નામની શાળામાં અભ્યાસ કર્યો હતો, તેના પરથી આ શાળાનું નામ પણ રશીમીડ નાખ્યું હતું. અહીં કુલ 42 વિદ્યાર્થીને પાંચ શિક્ષક દ્વારા ઉચ્ચ પદ્ધતિએ શિક્ષણ આપવામાં આવે છે. 70 ટકા ફંડ યુ.કે. સ્થિત દાતાઓ તથા 30 ટકા ફંડ વિદ્યાર્થીઓના વાલીઓના સહયોગથી શાળાનું સંચાલન ચાલે છે. શિક્ષકોના પગાર અને શાળાનો નિભાવ ખર્ચ 1 લાખ પ્રતિમાસ થતો હોવાનું જણાવ્યું હતું. ભવિષ્યમાં શાળા સારી રીતે ચાલે તે માટે કાયમી દાતાઓની જરૂર હોવાનું ઉમેર્યું હતું. શાળામાં નાગોર ઉપરાંત સરસપર, ત્રંબૌ, રાયધણપર, ત્રાયા સહિતના આસપાસના ગામડાંઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. દરવર્ષે 90 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. ઘરઆંગણે સગવડ હોવાથી દીકરીઓ માટે આ શાળા આશીર્વાદ સમાન છે. શાળામાં શરૂઆતથી જ કોમ્પ્યુટર લેબની સુવિધા સરાહનીય છે. શાળા શરૂ કરવાના તેઓના ઉદ્દેશમાં સફળતા મળી હોવાનો સંતોષ શ્રી સોલંકી દ્વારા વ્યકત કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રશીમીડ ફાઉન્ડેશન માધાપર યક્ષ મંદિરે ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકોને ખાનગી શિક્ષકો દ્વારા ક.ખ.ગ. પ્રાથમિક જ્ઞાન પણ આપે છે. એક કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ રશીમીડ શાળાના શિક્ષણ અભિયાનને કાયમી દાતા મળી રહે તો ભવિષ્યમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે તેવી આશા વ્યકત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd