ભુજ, તા. 19 : અહીંની સૂર્યા વરસાણી શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ
કરતા ચૈતન્ય ઝાએ તાજેતરમાં પૂણેમાં યોજાયેલી વર્લ્ડ સ્કોલર કપ હરીફાઈમાં ઝળહળતો દેખાવ
કરીને ચાર ગોલ્ડ અને છ સિલ્વર મેડલ જીત્યા
હતા અને હવે તે ગ્લોબલ રાઉન્ડ માટે પસંદ થયો છે, જે જૂન 202પમાં દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ,
ચીન અને ફિનલેન્ડ પૈકી એક સ્થળે યોજાશે. વર્લ્ડ સ્કોલર કપમાં દુનિયાભરના 60 જેટલા દેશના
અંદાજે પ0,000 સ્પર્ધક ભાગ લેતા હોય છે. મૂળ ઝારખંડના ચૈતન્યએ હિસ્ટરીમાં, સ્પેશિયલ
એરિયામાં, ચેલેન્જમાં અને સ્કૂલ ટોપ સ્કોલર સિનિયર ડિવિઝનમાં એમ ચાર-ચાર સુવર્ણ ચંદ્રક
જીત્યા હતા, તો ચેમ્પિયન સ્કોલર વિભાગમાં એક સિલ્વર મેળવ્યો હતો. એલપ્રો ઈન્ટરનેશનલ
સ્કૂલના યજમાનપદ હેઠળ સ્પર્ધા યોજાઈ હતી. આ હરીફાઈમાં ઈતિહાસ, ટીમ ડિબેટ, સહિયારું
લેખન, સ્કોલર્સ ચેલેન્જ સહિતની કેટેગરીમાં પોતાની સજ્જતા બતાવવી પડે. ડો. પ્રવીણ ઝા
અને ચાંદની ઝાના પુત્ર ચૈતન્યએ ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં પણ સુંદર પ્રદર્શન
કર્યું હતું અને 164મો ઈન્ટરનેશનલ રેન્ક મેળવ્યો હતો. ભુજની અચિવર્સ એકેડેમીના યોગેશ
ગોસ્વામી તેને કોચિંગ આપી રહ્યા છે. ચૈતન્ય સપ્ટેમ્બરમાં આયોજિત ઈન્ડિયન ઓલિમ્પિયાડ
ક્વોલિફાયર ઈન મેથ્સમાં ભાગ લેવાની પણ તૈયારી કરી રહ્યો છે.