નવી દિલ્હી, તા. 19 : નવાં વર્ષે ભારતના શેરબજારોની સ્થિતિ સુધરશે
તેવી સ્થાનિક રોકાણકારોની આશા હજી સુધી ફળી નથી અને જાન્યુઆરીમાં જ અત્યાર સુધી વિદેશી
પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતના શેરબજારમાંથી રૂા. 44,966 કરોડની મોટી રકમ
ઉપાડી લીધી છે. ડોલરની મજબૂતી અને રૂપિયાની અત્યંત દયનીય હાલત તથા બોન્ડ યીલ્ડમાં તેજી
સહિતનાં પરિબળોને લીધે વિદેશી રોકાણકારો હજી પણ ભારતની શેરબજારમાંથી રોકાણ પરત ખેંચી
લીધા છે. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં રૂા. 1પ,446 કરોડ ભારતીય બજારમાં નાખ્યા હતા
અને એવી આશા જાગી હતી કે, 202પમાં સ્ટોક માર્કેટ ફરી ઊંચે ચડશે, પણ હજી સુધી તો શેરબજારમાં
મંદીનો માતમ છવાયેલો છે. એફપીઆઈએ જાન્યુઆરીમાં માત્ર એક જ દિવસ (બીજી જાન્યુઆરી)ના
લેવાલી કરી હતી અને બાકીના દિવસોમાં વેચવાલી જ જોવા મળી હતી. ડોલરની મજબૂતી ઉપરાંત કંપનીઓના ત્રિમાસિક ગાળાનાં
પરિણામો પણ ખાસ ઉત્સાહજનક ન હોવાની અસર વિદેશીઓની વેચવાલીમાં જોવા મળી છે. નિષ્ણાતોના
જણાવ્યા અનુસાર ભારતીય રૂપિયામાં સતત ઘટાડાથી વિદેશી રોકાણકારો પર દબાણ વધ્યું છે.
અમેરિકામાં બોન્ડ યીલ્ડ પણ આકર્ષક હોવાથી એફપીઆઈ
બોન્ડ અને ઋણ બજારમાં પણ વેચવાલી કરી રહ્યું છે. ભારતીય શેરબજારમાં બહુ લાંબા સમયથી
મંદીની પરિસ્થિતિ અને રૂપિયાની અત્યંત નબળી સ્થિતિને લીધે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે
અને નાના રોકાણકારોમાં ઉચાટ ફેલાયો છે.