• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

મા.-ઉ.મા. શાળાઓમાં 64 ટકા શિક્ષકોની તૂટ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 19 : થોડા સમય પહેલાં કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની બદલી થઈ, ઓર્ડર બહાર પાડયા પણ ચાલુ સત્રની વચ્ચે ચાલતી ગતિવિધિ અને ખાલીખમ થઈ રહેલી કચ્છની શાળાઓના કચ્છમિત્રએ અહેવાલ પ્રગટ કર્યાના ઉગ્ર પડઘા પડતાં રાજ્ય સરકાર તેમજ સ્થાનિકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના તુરંત નિર્ણયથી તેના પર રોક લાગી ગઈ, પરંતુ કચ્છમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની સ્થિતિ પણ શિક્ષકોની સંખ્યાના મામલે બહુ જ દયનીય હોવાનું સપાટી પર આવ્યું છે અને સ્થિતિની ગંભીરતા એટલા માટે વધી જાય છે કે, આમાં ધો. 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ  સમાવિષ્ટ છે અને ઉપલા સ્તરેથી આદેશ પ્રમાણે માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિકમાં પણ પ્રથમ આંતરિક તાલુકા અને બાદમાં જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. સરકારી નિયમોથી લાચારી એ વાતની આવે છે કે, આમાં બદલીના ઓર્ડર બહાર પડે તો સાત દિવસમાં શાળામાંથી જે-તે શિક્ષકોને છૂટા કરી દેવાના હોય છે! એકબાજુ બદલી કેમ્પોનો આરંભ થઇ રહ્યો છે, અરજીઓ મગાવાઇ ચૂકી છે, બીજીબાજુ તપાસ કરતાં મળતી વિગત મુજબ તા. 31/12/24ની સ્થિતિએ કચ્છની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 271 શાળામાં 616 વર્ગમાં ભણતા 21,113 વિદ્યાર્થીની સંખ્યા સામે શિક્ષકોની સંખ્યા 393 છે. મંજૂર કે ભરવાપાત્ર 1084ની જગ્યાની સરખામણીએ 691 ખાલી જગ્યા છે. આમ 63.74 ટકાનું જબ્બર ગાબડું છે અને ગાંધીનગર દ્વારા બદલી કેમ્પના ઓર્ડર આવી રહ્યાનું કચ્છના શિક્ષણ ચિંતકો કહે છે. આધારભૂત આંકડા મુજબ, ધો. 9 અને 10 માધ્યમિકમાં 15,327 વિદ્યાર્થીની સામે 282 શિક્ષક છે, જેમાં ખરેખર 655 શિક્ષક જોઈએ, એ ગણતરીએ 56.94 ટકા જગ્યા વણપૂરાયેલી છે, જ્યારે ઉચ્ચ માધ્યમિક (ધો. 11-12)માં સામાન્ય પ્રવાહમાં 5478 વિદ્યાર્થીની સંખ્યા સામે માત્ર 97 જ શિક્ષક શાળાઓમાં ભણાવી રહ્યા છે. ખરેખર 376ના મંજૂર મહેકમ સામે માત્ર 279 જગ્યા ભરાયેલી હોવાનું ગણાતાં લગભગ પોણો ભાગ 74.20 ટકા જગ્યા ખાલીખમ છે. ઉચ્ચ માધ્ય.માં વિજ્ઞાન પ્રવાહની મહત્ત્વની 11 શાળામાં પણ મંજૂર જગ્યાના ચાર ભાગ ગણીએ તો ત્રણ ભાગમાં ગાબડું છે. કુલ 308 વિદ્યાર્થી અને 22 વર્ગમાં 14 જ શિક્ષક છે. ખરેખર 53 જોઈએ, એ માપદંડ પ્રમાણે 39 ખાલી જગ્યાની ગણતરીએ 73.56 ટકાની શિક્ષકોની તૂટ છે. દરમ્યાન સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 23મીના આંતરિક તાલુકા ફેરબદલી કેમ્પ યોજાશે, બાદમાં જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાય તેવો શિરસ્તો છે. સત્રના અંતિમ દિવસોમાં આવા આયોજન સંદર્ભે જણાવાયું કે, ઉપલા સ્તરેથી અમલમાં આદેશ છે.- 98 શાળામાં `0' અને 56 શાળામાં `1' જ શિક્ષક ! : ભુજ, તા. 19 : માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની શિક્ષકોની જગ્યાની સ્થિતિ તો ભલે કરુણ છે જ, પણ વધુ ગંભીરતા એ છે કે, કચ્છની કુલ 271 શાળામાંથી 98 એવી છે કે, જેમાં એક પણ શિક્ષક કાયમી નથી. હા, ત્યાં હંગામી જ્ઞાન સહાયકથી કામ ચાલે છે, જ્યારે 56 શાળા એવી છે જેમાં માત્ર 1 જ કાયમી શિક્ષકની જગ્યા ભરાયેલી છે. આધારભૂત આંકડાકીય વિશ્લેષણ મુજબ માધ્યમિકની કુલ 195 શાળામાંથી 65 શાળામાં `શૂન્ય' સ્ટાફ છે અને 43 શાળામાં માત્ર `1' શિક્ષક છે. જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં સામાન્ય પ્રવાહમાં કુલ 65 શાળામાંથી 29માં `0' અને 10 શાળામાં `1' જ શિક્ષકની જગ્યા ભરાયેલી છે. જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં 11 શાળામાંથી 4 શાળા તો એવી છે કે, કોઇ કાયમી શિક્ષક નથી અને 3 શાળામાં માત્ર `1' જ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd