• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

મહાકુંભમાં ભીષણ આગ : અનેક તંબુ ખાખ

નવી દિલ્હી, તા.19 : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલતા ભારત અને સનાતન ધર્મનાં સૌથી મોટા પર્વ મહાકુંભ મેળાનાં ક્ષેત્રમાં આવેલા શાત્રી બ્રિજ હેઠળ આવતા પંડાલોમાં ભીષણ આગ ફાટી નીકળતાં દુર્ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ આગ મેળાનાં સેક્ટર 19માં ગેસના બાટલા ફાટતા લાગી હોવાનું કહેવાય છે પણ હજી સુધી આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. એક પછી એક અનેક સિલીન્ડર ફાટયા હતા અને ડઝનબંધ તંબુઓ બળીને રાખ થઈ ગયા હતા. 100થી વધુ ઝુંપડાં ખાખ થઈ ગયા હતા. સદભાગ્યે આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આશરે 1પથી 16 જેટલા અગ્નિશામક વાહનોની મદદથી આગ ઉપર મહામહેનતે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થિતિની જાણકારી મેળવી હતી.  અમુક મીડિયા અહેવાલ મુજબ મોટી આગને લીધે 180 તંબુ અને કોટેજ ભસ્મીભૂત થઈ ગયા હતા. જે પૈકી સંખ્યાબંધ ગીતા પ્રેસના હતા. આ દુર્ઘટનાની મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર મહાકુંભનાં સેક્ટર 19માં શિબિરની અંદર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં ઉપરા-ઉપરી થયેલા વિસ્ફોટ અને શોર્ટ સર્કિટનાં કારણે લાગી હતી. આ ધર્મ સંઘની છાવણી હોવાનું કહેવાય છે. આગની ચપેટમાં ગીતાપ્રેસ, ગોરખપુર સહિતના અનેક તંબુઓ આવી ગયા હતા અને પવનનાં કારણે આગ ઝડપથી પ્રસરવા લાગતા ભારે દહેશત અને નાસભાગ મચી ગઈ હતી. લગભગ દસેક સિલીન્ડર ફાટયા હોવાના અહેવાલ છે. સેક્ટર 19માં લાગેલી આ આગ તીવ્ર ગતિએ સેક્ટર 20 તરફ આગળ વધી ગઈ હતી અને તેમાં ગીતા પ્રેસ ગોરખપુરની છાવણી પણ ચપેટમાં આવી ગઈ હોવાનું કહેવાય છે. ઝડપથી પ્રસરેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે તાબડતોબ ફાયરબ્રિગેડનાં  ડઝનબંધ વાહનોને દોડાવી દેવામાં આવ્યા હતાં. બીજીબાજુ આગ વચ્ચે ગેસના બાટલાઓ પણ ધડાકાભેર ફાટતા રહ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી આકાશમાં કાળો ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠતી જોઈ શકાઈ હતી. - માતા પ્રસાદે જીવની પરવા કર્યા વિના સિલિન્ડર બહાર ફેંક્યાં : પ્રયાગરાજ, તા. 19 : મહાકુંભમાં ભીષણ આગ બૂઝાવવામાં તંત્રોની ત્વરિતતા ઉપરાંત અમુક લોકોએ અને સાધુઓએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે આગ ફાટી નીકળી અને સિલિન્ડર ફાટવા લાગ્યા, ત્યારે પ્રયાગરાજ નજીક નૈનીથી તેના ભત્રીજા સાથે કુંભ સ્નાન કરવા આવેલા માતા પ્રસાદે પોતાના જીવની પરવા કર્યા વિના તંબુમાં પ્રવેશ કર્યો અને પોતાનો જીવ જોખમમાં મૂકીને સિલિન્ડરને પોતાના ખભા પર ઊઠાવીને આગની જ્વાળાઓ વચ્ચે બહાર ફેંકવા લાગ્યા. તેમણે લગભગ 15 સિલિન્ડર કાઢીને બહાર ફેંકી દીધા. તેમની સાથે હાજર કેટલાક યુવાનોએ પણ તેમને ટેકો આપ્યો અને બે-ત્રણ સિલિન્ડર બહાર કાઢયા, જેથી પાછળથી કોઈ ધડાકો ન થાય અને સમયસર આગ પર કાબૂ મેળવી શકાય. આ સિવાય સ્વામી જગદીશાનંદ અને જૂના અખાડાના અન્ય એક સંતે પોતાના જીવની પરવા કર્યા?વિના તંબુ અને બહાર હાજર લોકોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઋષિ-મુનિઓએ કહ્યું કે, આગ કેવી રીતે લાગી તે ખબર નથી, પરંતુ તપાસ થવી જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd