ભુજ, તા. 19 : કોર્ટની મુદતેથી બોટાદ ગયેલા ભુજના નાયબ પોલીસ
અધીક્ષક રવિરાજસિંહ જાડેજા ગઈકાલે રાતે પરત ફરી રહ્યા હતા ત્યારે કનૈયાબે ગામ નજીક
સામેથી રોંગ-સાઈડમાં પૂરપાટ આવતી સ્કોર્પિયો ગાડી નજરે ચડી હતી. આથી તેમણે ગાડીને અટકાવવા
પ્રયાસ કરતા ચાલકે ગાડી હંકારી મૂકી હતી અને ગભરાયેલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ જતો
રહેતા આગળ જઈ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ચાલક નાસી છૂટયો હતો. આ પલટેલી કારમાંથી શરાબની
338 બોટલ મળી આવ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે પદ્ધર પોલીસ પાસેથી મળેલી
વિગતો મુજબ ગઈકાલે રાતે ડીવાયએસપી શ્રી જાડેજા બોટાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રાતે
11 વાગ્યાના અરસામાં ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર કનૈયાબે ગામ નજીક અંબિકા સ્ટીલ કંપની પાસે
રોંગસાઈડમાં સામેથી પૂરપાટ સફેદ સ્કોર્પિયો કાર આવી રહી હતી. શ્રી જાડેજાએ ડ્રાઈવરને સૂચના આપીને ગાડી રોકાવવાનો
પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્કોર્પિયો ચાલકે ગાડી ન રોકી પૂરપાટ હંકારી દીધી હતી. ગાડીનો
પીછો કરતા સ્કોર્પિંયો ચાલકે ગભરાટમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા થોડેક આગળ બાવળની
ઝાડીમાં ગાડી પલટી ખાધેલી હાલતમાં મળી હતી અને ચાલક નાસી છ્ટૂયો હતો. કારમાં જોતા શરાબની
પેટીઓ તથા તૂટેલી બાટલીઓ દેખાઈ હતી. શ્રી જાડેજાએ પદ્ધર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો
ઘટનાસ્થળે ધસી ગયો હતો. સ્કોર્પિયોમાંથી વિદેશી પ્રકારની ભારતીય બનાવટની શરાબની અલગ-અલગ
બોટલ નંગ 338 જેની કિંમત રૂા. 2,31,361 અને અન્ય 78 બોટલ ફૂટી ગઈ હતી. જેના ઢાંકણા
કબજે કર્યા હતા. કારના કાચ તૂટી ગયા હતા અને નુકસાન પામી હતી. ગાડી ઉપર કોઈ નંબરપ્લેટ
ન હતી. પરંતુ અંદર તપાસતાં જી.જે. 16 એપી 6945 નંબરપ્લેટ મળી હતી. પોલીસે સ્કોર્પિયો
સહિત કુલ્લે રૂા. 5,31,361નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.