ગાંધીધામ, તા. 19 : અંજારની ભાગોળે વરસામેડી બાજુ જતા રોડ પર
રાધેક્રિષ્ના આઇ માતા હોટેલ સામે આવેલી ગેરેજો પાછળથી પોલીસે લોખંડના સળિયાની ચોરીનો
પર્દાફાશ કર્યો હતો. અહીંથી બે શખ્સની ધરપકડ કરી પોલીસે રૂા. 5,06,500ના 10 કિલો
130 ગ્રામ સળિયા જપ્ત કર્યા હતા. અંજાર-વરસામેડી રોડ આર.કે. આઇ માતા હોટેલ સામે આવેલી
ગેરેજો પાછળ બે શખ્સ ટ્રેઇલરચાલકોને પૈસાની લાલચ આપી તેમના વાહનોમાંથી ચોરી કરી, કરાવે
છે તેવી પૂર્વ બાતમીના આધારે ગઇકાલે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી. જયશ્રી રાંદલ
મોટર્સ પાછળ તથા ડાયમન્ડ મોટર ગેરેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી મૂળ વવારના
હરિ સામરા ગઢવી (રહે. દબડા) તથા મૂળ અમરેલીના મેહુલ રવિદાન ગઢવી (રહે. જલારામ જ્યોત
કોમ્પ્લેક્સ એ.પી.એમ.સી. અંજાર)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને શખ્સ અહીંથી પસાર
થતા ટ્રેઇલરચાલકોને પૈસાની લાલચ આપી તેમની પાસેથી અમુક માલ ઊતારી લેતા હતા અને બાદમાં
આ ચોરાઉ માલ બારોબાર વેચવાની પેરવીમાં હતા, તેવામાં પોલીસ ત્રાટકી હતી. આ ખુલ્લી જગ્યાએથી
ઇ.ટી.એમ.ટી. કંપનીના માર્કાવાળા લીલા રંગના કોટિંગ કરેલા 10 એમ.એમ.ના સળિયાની ચાર ભારી,
12 એમ.એમ.ની ચાર ભારી, 16 એમ.એમ.ની 7 ભારી, 20 એમ.એમ.ના સળિયા નંગ 9, 25 એમ.એમ.ના પાંચ
તથા વેલસ્પન ટીએમટીના માર્કાના 8 એમ.એમ.ના સળિયાની 35 ભારી, ઇટીની 10 એમ.એમ.ની 11 ભારી,
નેશનલ ટીએમટી 12 એમ.એમ.ની 4 ભારી, ઇટી 16 એમ.એમ.ની 8 તથા નેશનલની 16 એમ.એમ.ની એક ભારી,
વેલસ્પનના 25 એમ.એમ.ના 34 સળિયા, નેશનલ 20 એમ.એમ.ના 62 સળિયા એમ કુલ રૂા. 5,06,500ના
સળિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ બંને શખ્સ કેટલા સમયથી આવી રીતે ચોરી કરી, કરાવતા
હતા તથા તેમની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.