ભુજ, તા. 19 : માંડવી
તાલુકાના રામપર (વેકરા)ના 45 વર્ષીય યુવાન હમીર કોલીની ગઈકાલે બપોરે વેકરાથી ધુણઈ જતા
માર્ગે બાવળોની ઝાડીમાં ભેદી સંજોગો વચ્ચે લાશ
મળી હતી, જેમાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં ગળેટૂંપાથી મોત થયાનું ખૂલતાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો
ગુનો દર્જ કરી પોલીસે છાનબીન આદરી છે. આ અંગે ગઢશીશા પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ એચ.એમ.
ગોહિલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પી. એમ.ના રિપોર્ટમાં ગળેટૂંપાથી મોત
થયાનું સામે આવ્યું છે. આથી મૃતક હમીરના ભાઈ સિદિકે અજાણ્યા શખ્સ કે શખ્સો સામે તેના
ભાઈની હત્યા નીપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતકનાં ગળાંમાં ગમછો વિંટળાયેલો હતો.
આ ગમછાથી જ તેની હત્યા નીપજાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મૃતક હમીર
એકલવાયું જીવન જીવતો હતો. લગ્ન થયા બાદ પત્ની પણ મૂકીને જતી રહી હતી. હાલ તે વડવા કાંયામાં
મજૂરીકામ કરતો હતો અને બે-ત્રણ દિવસ પહેલાં જ રામપર આવ્યો હતો. અંતરંગ વર્તુળો પાસેથી
મળેલી જાણકારી મુજબ હમીર પીવાની ટેવવાળો હતો. સીમમાં સાથીઓ સાથે મહેફિલ માણવા દરમ્યાન
કાઈ માથાકૂટના મુદ્દે ગમછાથી ટૂંપો દઈ તેનું ઢીમ ઢળાયાની હાલ શક્યતા જોવાઈ રહી છે.
ગઢશીશા પોલીસે આવા વિવિધ પાસા ચકાસી તે દિશામાં છાનબીન આદરી છે.