• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

કોટડા (જ.) : લૂંટારુઓના હજુ કોઈ સગડ નહીં

ભુજ, તા. 19 : નખત્રાણા તાલુકાના કોટડા (જ.)માં સોની વેપારીને છરી મારી ત્રણ લૂંટારુએ ઘરેણા ભરેલા થેલાની સનસનીખેજ લૂંટના બનાવમાં આરોપીઓના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. આ ઘરેણા ભરેલા થેલામાં રૂા. 30,72,000ના સોનાના દાગીના હોવાની ફરિયાદ નોંધાઈ છે. કોટડા (જ.)માં નીલકંઠ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા નીલેશભાઈ સોની ગઈકાલે સાંજે દુકાન વધાવી દુકાનમાંના ઘરેણા બે થેલામાં ભરી એક્ટિવાથી ઘરે જતા હતા, ત્યારે નવાવાસમાં હિંમતભાઈ સાંખલાના મકાન પાસેની શેરીમાં પહોંચતા પાછળથી એક કાર આવીને તેની ઉપર ચડાવવાની કોશિષ કરાઈ હતી. એક્ટિવા દીવાલની સાઈડમાં દબાવી ઊભું રાખી દેતાં સફેદ સ્વીફ્ટમાંથી એક શખ્સ મોટી છરી સાથે આવી થેલો ખેંચવા લાગતાં નીલેશભાઈએ રાડારાડ કરી હતી. આથી બીજો શખ્સ કારમાંથી ઊતરી થેલો ઝૂંટવા લાગ્યો હતો અને એકે હાથમાં છરી મારી દેતાં નીલેશભાઈ ગભરાઈ ગયા હતા. એક થેલો ઝૂંટવી બંને કારમાં બેસી ગયા હતા. એક ચાલક હતો આમ ત્રણે લૂંટ ચલાવી ભાગી ગયા હતા. લૂંટાયેલા થેલામાં સોનાની નાની-મોટી બુટીઓ, વીંટીઓ અને પેન્ડલ્સ એમ સોનાના 228 દાગીના જેનું વજન આશરે 480 ગ્રામ એટલે 48 તોલા, એક તોલાના રૂા. 64000 લેખે કુલ રૂા. 30,72,000 થાય છે તેવું નીલેશભાઈએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે. આ સનસનીખેજ લૂંટ અંગે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ અશોકભાઈ એચ. મકવાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલ રાતથી  ચોફેર નાકાબંધી કરી દેવાઈ છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ પણ ચકાસાયા છે, પરંતુ ફુટેજ ક્લિયર ન હોવાથી કડી મળી નથી. અગાઉ લૂંટને અંજામ આપનારાઓને પૂછતાછ શરૂ કરી છે. આ ઉપરાંત નીલેશભાઈ પાસે કામ કરનારા કારીગરોના નિવદેન લેવાયા છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ કડી મળી નથી. આમછતાં અન્ય દિશામાં તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.  આ સનસનીખેજ લૂંટ અંગે અન્ય સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ લૂંટ પહેલાંના થોડા દિવસો પૂર્વે આવી સફેદ સ્વીફ્ટ કાર ગામમાં દેખાતી હોવાના સીસી ફુટેજ મળ્યા છે. જો કે,  આ એ જ કાર છે કે નહીં તેની ખરાઈ બાકી છે. આ લૂંટની પદ્ધતિ પરથી સ્પષ્ટ જણાય છે કે, આ પૂર્વ આયોજિત કાવતરું છે. લૂંટારાઓએ અગાઉ રેકી કરી વેપારીની ગતિવિધિ જાણીને આ લૂંટને અંજામ આપ્યાનું બનાવ પરથી જણાય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd