નવી દિલ્હી તા.19 :
પહેલીવાર રમાયેલા ખો ખો વિશ્વકપમાં ઇતિહાસ રચીને ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બની છે.
આજે અહીં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78 વિરૂધ્ધ 40 અંકના
અંતરથી સજ્જડ હાર આપી ખો ખો વિશ્વકપનો ખિતાબ કબજે કર્યો હતો. પ્રિયંકા ઇંગલેના સુકાનીપદ
હેઠળની ભારતીય ખો ખો ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યાં વિના વિશ્વ વિજેતા બની છે.
ભારતની મહિલા ટીમ પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતીય મહિલા ટીમે સેમિ ફાઇનલમાં
દ. આફ્રિકાને 66-16થી હાર આપી હતી. ભારતીય પુરુષ ટીમ પણ અપરાજિત રહી ફાઇનલમાં પહોંચી
ચૂકી છે. દિલ્હીમાં યોજાયેલા પહેલા ખો-ખો વર્લ્ડકપ-2025ની ફાઈનલ મેચમાં મહિલા ટીમની
જીત બાદ એક તરફી પ્રદર્શન દ્વારા ભારતીય પુરુષ ટીમે પણ નેપાલની ટીમને 54-36ના અંતરથી
હરાવી વિજય મેળવી ઈતિહાસ રચ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, ભારતીય પુરુષ ટીમે પ્રારંભથી
જ નેપાળ પર મજબૂત પકડ જમાવી હતી અને પહેલા રાઉન્ડમાં જ 26 અંક મેળવી નેપાળને ખાતું
ખોલવા પણ નહોતું દીધું. જો કે, બીજા રાઉન્ડમાં નેપાળે 18 અંક મેળવ્યા હતા, પણ ભારત
8 અંકથી આગળ જ હતું. ત્યારબાદ ભારતે જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં જીત મેળવી ઈતિહાસ
રચી દીધો હતો. આ વર્લ્ડકપમાં ભારતીય પુરુષ ટીમે નેપાળને બીજી વખત હાર આપી હતી. આ પહેલાં
પણ જૂથ મુકાબલામાં બંને ટીમ ટકરાઈ હતી, જ્યાં પણ ભારતનો વિજય થયો હતો.