• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

સદ્ભાવના, નૈતિકતા, વ્યસનમુક્તિ માટે કટિબદ્ધ બનો

કટારિયા, તા. 19 : જનજનને સદભાવના, નૈતિકતા અને નશામુક્તિનો સંદેશ આપતા, સન્માર્ગના પથને દર્શાવતા જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, આચાર્ય મહાશ્રમણજી ગુજરાતની ધરા પર સતત પ્રગતિશીલ છે. કચ્છમાં આગમન કર્યા બાદ આચાર્યશ્રીનું કટારિયા ગામે ભવ્ય સ્વાગત કરાયું હતું. ધવલસેનાના સંગ સાથે કટારિયા ગામે આચાર્યશ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના પરિસરમાં પહોંચ્યા હતા. સમસ્ત કચ્છથી સંબંધિત લોકોએ આચાર્ય મહાશ્રમણજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, તીર્થના ટ્રસ્ટી કનક મહેતા, સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ હિતેશભાઈ ખંડોલ, ગાંધીધામ, માંડવી, નારણપર, રાપર તથા માધાપર વિગેરે ગામોના આગેવાનો સાથે શ્રાવક સમાજ પણ ઉપસ્થિત રહ્યો હતો. મર્યાદા મહોત્સવના કન્વિનર, સ્વાગત અધ્યક્ષ, જ્ઞાનશાળા, મહિલામંડળ, તેરાપંથી સભા, યુવક પરિષદ્ અને અણુવ્રત સમિતિ વિગેરેએ પોતાના ભાવોની પ્રસ્તુતિ આપી હતી. શૈક્ષણિક તીર્થપરિસરમાં યોજાયેલા પ્રાત:કાળના મુખ્ય પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત કચ્છના શ્રદ્ધાળુઓ અને બાળકોને શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીએ પવિત્ર સંબોધન આપતાં કહ્યું કે જૈન વાંગમયમાં અઢાર પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અઢાર પાપોમાં ત્રીજું પાપ છે. અદત્તાદાન એટલે કે ચોરી. બીજાની પરવાનગી વિના કંઈક લઇ લેવું, તેને ચોરી કહેવાય છે. ચોરી ન કરવાનો સંકલ્પ કરવો એ ખૂબ જ શ્રેષ્ઠ બાબત છે. કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ચોરી ન કરવાનો સંકલ્પ કરે છે, તેને સમૃદ્ધિ પણ પસંદ કરે છે અને સુગતિ તેને આવકારતી હોય છે. ચોરી ન કરવી એ ઈમાનદારીનું એક પરિમાણ છે, જ્યારે છળ અને કપટ ન કરવું એ તેના અન્ય પરિમાણો છે. માણસે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદ સાધર્મિકને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોરી ન કરવાના સંસ્કાર માણસનાં જીવનને પવિત્ર બનાવી શકે છે. બાળકોમાં સારા સંસ્કાર આવે તે માટે શિક્ષણ સાથે ઇમાનદારી, નૈતિકતા અને પ્રામાણિકતાના સંસ્કારોનું પણ બીજ વાવવું જોઈએ. સદભાવના, નૈતિકતા અને નશામુક્તિના સંકલ્પો બાળકોમાં વધે તે માટે આચાર્યશ્રીએ વિવિધ પ્રેરણા આપી હતી. આચાર્યશ્રી અને સાથે લગભગ એકસોની આસપાસની સંખ્યામાં પદવિહાર કરતાં સાધુ સાધ્વી ભગવંતોની ધવલ સેનાની મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવકપરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં પ્રીન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd