નવી દિલ્હી, તા. 19 :
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 15 માસથી ચાલતા યુદ્ધ બાદ વિરામ લાગુ કરવામાં
મોડું થયા બાદ હમાસે ત્રણ મહિલા બંધકનું લિસ્ટ જારી કર્યું હતું અને મોડી સાંજે ગાઝા
શહેરના સરયા સ્ક્વાયર ખાતે મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમને આઈડીએફના હેલિકોપ્ટર
દ્વારા ઈઝરાયલ લવાશે, જ્યાં તેમનું પ્રારંભિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવાશે. અમેરિકાના
રાષ્ટ્રપતિ જો બાયડને યુદ્ધવિરામ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, દર્દ અને
વિનાશ બાદ બંદૂકો શાંત થઈ. યુદ્ધવિરામના પ્રારંભે ત્રણ બંધકના બદલે ઈઝરાયલ 90 પેલેસ્ટાઈની
નાગરિકને મુક્ત કરશે. જો કે, સંઘર્ષવિરામ લાગુ થયો ત્યારે હમાસે બંધકોની યાદી જાહેર
ન કરતાં ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 13 નાગરિકનાં મોત થયાં હતાં.
બીજી તરફ આ યુદ્ધવિરામના વિરોધમાં ઈઝરાયલના ત્રણ મંત્રીએ રાજીનામાં ધરી દીધાં હતાં.
એક મીડિયા હેવાલ મુજબ, રવિવારે મોડેથી લાગુ કરાયેલા યુદ્ધવિરામમાં સેમી ગોનેન, એમિલી
દમારી અને ડોરોન સ્ટીનબ્રેચર નામના ત્રણ બંધકને હમાસે છોડયા હતા. તેમનું સ્વાસ્થ્ય
પરીક્ષણ કરાવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા ઈઝરાયલ લવાશે, જ્યાં હોસ્પિટલમાં લઈ જવાશે.
ત્રણ તબક્કે પૂર્ણ થનારી સમજૂતી મુજબ પહેલા તબક્કાના 42 દિવસમાં ક્રમશ: બંધકોને છોડાશે.
બીજી તરફ તે પહેલાં હમાસે બંધકોની યાદી જાહેર કરવામાં મોડું કરતાં યુદ્ધવિરામ વચ્ચે
ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં કરેલા હવાઈ હુમલામાં 13 પેલેસ્ટાઈની નાગરિકનાં મોત થયાં હતાં.
દરમિયાન, યુદ્ધવિરામ લાગુ થતાંની સાથે નેતાન્યાહુ સરકારના ત્રણ સહયોગીએ કેબિનેટમાંથી
રાજીનામાં આપી દીધા હતા અને પોતે હવે સરકારનો હિસ્સો ન હોવાનું નિવેદન જારી કર્યું
હતું. તેમના મતે જ્યાં સુધી યુદ્ધનો હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ કરવો જોઈએ
નહીં.