ભુજ, તા. 19 : શહેરની વી.
ડી. હાઈસ્કૂલથી પીપીએસસી ક્લબ અને ઘનશ્યામનગરથી બસ સ્ટેશન જતા માર્ગની હાલત અતિ દયનીય
બનતાં આ માર્ગે પસાર થનારા વાહનચાલકો તોબા પોકારી ઊઠયા છે. અધૂરામાં પૂરું ઓપનએર થિયેટરને
અડીને આવેલી મુતરડી સતત ઊભરાતી હોવાથી અહીંથી પસાર થનારા લોકોની હાલત દુર્ગંધથી કફોડી
બની રહી છે, તો ઓપનએર થિયેટરનું મેદાન હવે ભંગારનાં વાહનોથી ઊભરાવા સાથે શૌચાલયમાં
પરિવર્તિત થઈ ગયું હોય તેવું જાગૃતો જણાવી રહ્યા છે. ભુજમાં અનેક માર્ગોની હાલત દયનીય
બની ગઈ છે. આ પૈકી વી. ડી. હાઈસ્કૂલથી માતૃછાયા શાળાથી પીપીએસસી ક્લબ જતા માર્ગની હાલત
અતિ જર્જરિત થઈ ગઈ છે. ઉપરાંત ઘનશ્યામનગરથી બસ સ્ટેશન જતો રસ્તો પણ બિસમાર બનતાં લોકોને
આ માર્ગે પસાર થવામાં ભારે પરેશાની વેઠવી પડી રહી છે. ખાડાઓનાં પગલે વાહનોને આવતી પછડાટથી
વાહનોમાં નુકસાની સાથે ચાલકને અસ્થિભંગની ઈજા પણ થતી હોવાની લોકફરિયાદ ઊઠી છે, તો માર્ગો
પરના ખાડા બચાવવા અનેક વાહનો રોંગ સાઈડમાં આવતાં સતત અકસ્માતનો ભય રહે છે. આ ઉપરાંત
ઓપનએર થિયેટર ખાતે માર્ગ પર આવેલી મુતરડી લાંબા
સમયથી સતત ઊભરાતી હોવાથી આ રસ્તે પસાર થનારા લોકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડે
છે. ખુદ સુધરાઈ સંચાલિત હોવા છતાં આ મુતરડી અતિ ખરાબ હાલતમાં હોવાથી લોકો હવે ઓપનએર
થિયેટરનાં મેદાનમાં શૌચક્રિયા કરતા બસ સ્ટેશનથી ઘનશ્યામનગર વિસ્તારમાં અતિ દુર્ગંધનું
સામ્રાજ્ય ફેલાયેલું રહે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત રસ્તાઓ પર બે કન્યાશાળા
તથા એક કુમારશાળા આવેલ હોવા છતાં આ છાત્ર-છાત્રાઓની પરેશાની સામે તંત્ર આંખ આડા કાન
કરી રહ્યું હોવાનું જાગૃત લોકો કહી રહ્યા છે. ઉપરોક્ત માર્ગો નવા જ્યારે બને ત્યારે,
હાલમાં પેચવર્ક કરી લોકોને રાહત સાંપડે તેમજ ગંદકીથી સતત ખદબદતી મુતરડીમાં નિયમિત સફાઈ
કરાય અને ઓપનએર થિયેટરના મેદાનને શૌચાલય થતું અટકાવવા ભુજ નગરપાલિકા પગલાં ભરે તેવી
માંગ ઊઠી છે.