વોશિંગ્ટન, તા. 18 : આવનારા
સમયમાં ભારત દેશ 6.5 ટકાના વિકાસદર સાથે વિશ્વમાં સૌથી વધુ ગતિ સાથે વિકાસ કરશે, તેવું
અનુમાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) દ્વારા કરાયું છે. આઈએમએફ દ્વારા 2025 અને
2026નાં વર્ષોમાં દુનિયાભરના દેશોના વિકાસદરનું પૂર્વાનુમાન અપાયું છે, એ મુજબ સમગ્ર
વિશ્વનો વિકાસદર 3.3 ટકા રહેશે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના ફર્સ્ટ ડેપ્યુટિ મેનેજિંગ
ડાયરેક્ટર ગીતા ગોપીનાથે એક્સ પર `વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક ગ્રોથ'નું અનુમાન પોસ્ટ કર્યું હતું.
અમેરિકાનો વિકાસદર 2024ની તુલનાએ 0.1 ટકાના મામૂલી ઘટાડા સાથે 2025માં 2.7 ટકા રહેશે
અને 2026માં 2.1 ટકા થઈ જશે. ચીનનો વિકાસદર 2025માં 4.6 ટકા અને 2026માં 4.5 ટકા રહી
શકે છે. 2024માં દર 4.8 ટકા રહ્યો હતો. ચીને વિકાસદરની ગતિ વધારવા માટે ઘરેલુ બજારમાં
માંગ ઊભી કરવી પડશે. બીજી તરફ, આર્થિક સંકટનો સામનો કરતાં પાકિસ્તાનનો વિકાસદર
2024ના 3.2 ટકા સામે વધીને 2025માં ત્રણ, 2026માં ચાર ટકા રહી શકે છે. વિશ્વમાં મોંઘવારીદર
2025માં 4.2 ટકા અને 2026માં 3.5 ટકા રહેશે, જે 2024માં 5.9 ટકા હતો. આમ, મોંઘવારી
વિશ્વભરમાં ઘટી શકે છે, તેવું અનુમાન આઈએમએફ દ્વારા કરાયું છે.