રાપર, તા. 18 : આગામી 15 માર્ચથી કચ્છ બ્રાંચ કેનાલ
મરમ્મત અને સાફસફાઈ માટે બંધ કરવામાં આવશે. કેનાલ આધારિત પેયજળ યોજના ધરાવતાં રાપર
સહિતનાં ગામોમાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે. રાપર સુધરાઈએ આગોતરી તૈયારી આરંભી છે.
રાપર નગરપાલિકા દ્વારા આ અંગે આગોતરું આયોજન કરી નાગરિકો અને વિશાળ પશુધનને પીવાનું
પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે માટે નગાસર તળાવ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું
છે. આ અંગે નર્મદા કેનાલની સ્થળ મુલાકાત લઈ તંત્ર દ્વારા નંદાસરથી સેલારી સુધીનાં ધર
બંધ કરી પાણીને પીવા માટે રિઝર્વ રાખવા નર્મદા નિગમના અધિકારીઓને સૂચના આપવામાં આવી
હોવાનું નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર અને મુખ્ય અધિકારી તરુણદાન ગઢવીની સંયુક્ત યાદીમાં
જણાવ્યું હતું. હાલમાં નગાસર તળાવ ભરવાનું હોવાથી પાણી ત્રણ દિવસે આપવામાં આવશે જે
તળાવ ભરાઈ ગયા બાદ પુન? એકાંતરે વિતરણ
કરવામાં આવશે. આ ઉપરાંત કેનાલ બંધ રહે ત્યાં સુધી સામખિયાળીથી દરરોજ ચાર એમએલડી પાણી
રાપરને આપવા માટે પાણી પુરવઠા બોર્ડ પાસે લેખિતમાં માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું
હતું. પાણીનો રિઝર્વ જથ્થો વાપરવામાં ન આવે તેની સૂચના ખેડૂતોને આપી, કેનાલમાં રહેલાં બકનળા, મશીન, પમ્પ
વગેરે હટાવી રાઉન્ડ ધ કલોક કેનાલ પર પેટ્રોલીંગ કરવામાં આવશે તેમ ધારાસભ્યનાં પ્રતિનિધિ
વિનુભાઈ થાનકીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં કલેકટર આનંદ પટેલ અને ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ
જાડેજાની રાપર મુલાકાત વખતે પણ નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગને સંકલન કરી લોકોને
પાણીની મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. ખાસ તો અત્યારે પ્રધાનમંત્રી
આવાસ યોજના અંતર્ગત નગરમાં ત્રણસોથી વધુ મકાનો બની રહ્યા છે ત્યારે આ બાંધકામો અને
અન્ય કોમર્શિયલ એકમોમાં આ રિઝર્વ નર્મદાનાં નીર ન વાપરતાં અન્ય સ્ત્રોત શોધવાની સૂચના
આપવાનું પણ નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાંધકામ અને
અન્ય વ્યાવસાયિક જરૂરિયાતો માટે હેવી મોટર પંપ કે ટેન્કર જેવા વાહનોથી પેયજળ ઉલેચતાં
પાણીની કટોકટી સર્જાઈ શકે છે. કેનાલની રુબરુ મુલાકાત દરમિયાન પ્રમુખ ચાંદ ઠક્કર,
સીઓ તરુણદાન ગઢવી, ડોલરરાય ગોર, વીનુભાઈ થાનકી, હકુભા સોઢા, આશિષ
ગૌસ્વામી, માવજી મેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.