નવી દિલ્હી, તા.18 : ચીની રોબોટ
અને કોરિયન ડ્રોનને પોતાનો પ્રોજેક્ટ બતાવવાના વિવાદ બાદ ગ્રેટર નોઈડાની ગલગોટિયા યુનિવર્સિટીને ઇન્ડિયા
એઆઈ ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોથી બહાર કાઢી દેવામાં આવી છે. યુનિવર્સિટી પર રોબોટિક ડોગ
અને ડ્રોનને પોતાના ગણાવીને રજૂ કરવાનો આરોપ હતો. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર
પર ભારતની છબી ખરડવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ બાદ,
આઈટી સચિવ એસ કૃષ્ણને જણાવ્યું હતું કે સરકાર નથી ઈચ્છતી કે કોઈ પ્રદર્શક
એવી વસ્તુઓ પ્રદર્શિત કરે જે તેમની પોતાની ન હોય. `અમે આવા પ્રદર્શન ચાલુ રહે તે ઇચ્છતા નથી,' એમ તેમણે કહ્યું, ત્યાર
બાદ આયોજકોએ ગાલગોટિયા યુનિવર્સિટીને તેનો સ્ટોલ ખાલી કરવા કહ્યું હતું. દિવસ દરમિયાન
જાહેર કરાયેલા એક નિવેદનમાં, ગાલગોટિયા યુનિવર્સિટીએ એઆઈ ઈમ્પેક્ટ
સમિટમાં સર્જાયેલી `ગૂંચવણ' માટે માફી માંગી હતી અને જણાવ્યું કે `પેવિલિયન સંભાળનાર વ્યક્તિ પૂરતી માહિતી
ધરાવતો નહોતો. સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસે
પ્રહાર કરતાં કહ્યું કે સરકારે દેશની છબીને ખરડાવી છે. આ બાબત ભારત માટે શરમજનક છે.
આ કાર્યવાહી તે વીડિયો વાયરલ થયા બાદ થઈ છે, જેમાં યુનિવર્સિટીએ એક ચાઇનીઝ કંપનીના રોબોટિક ડોગને પોતાની જ શોધ તરીકે બતાવ્યો
હતો. ચીની રોબો ડોગ સાથે જ યુનિવર્સિટીએ કોરિયન કંપનીના એક ડ્રોનને પણ પોતાનું ગણાવ્યું
હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિયા એઆઈ સમીટને માત્ર પ્રચારનું તૂત ગણાવ્યું
હતું. લોકસભામાં વિરોધપક્ષના નેતાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતની પ્રતિભા
અને ડેટાનો ઉપયોગ કરવાની જગ્યાએ એઆઈ શિખર સંમેલન અવ્યવસ્થિત રીતે પીઆરનું તૂત બની ગયું
છે. દરમ્યાન, દેશી એઆઈ રોબોટ અંગે વિડિયોમાં યુનિવર્સિટીની પ્રાધ્યાપક નેહા સિંહ કહી રહયા છે કે આ રોબોટિક ડોગનું નામ
'ઓરિયન' છે. તેને ગલગોટિયા યુનિવર્સિટીના `સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ
કહ્યું કે યુનિવર્સિટી એઆઈના ક્ષેત્રમાં 350 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે આ વિડિયો સામે આવ્યા બાદ અનેક
ટેક એક્સપર્ટ્સ અને યુઝર્સે દાવો કર્યો કે આ હકીકતમાં ચીની કંપની 'યુનિટ્રી'નો `ગો-ટુ'
મોડેલ છે, જે બજારમાં 2-3 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે
અન્ય એક વિડિયોમાં યુનિવર્સિટી જે ડ્રોનને કેમ્પસમાં `શરૂઆતથી'
તૈયાર કરવાનો દાવો કરી રહી હતી, તેને યુઝર્સે રૂા
40 હજારનું તૈયાર મળતું `સ્ટ્રાઈકર વીથ્રી એઆરએફ' મોડેલ ગણાવ્યું છે . વીડિયો વાયરલ થતાં અને
વિવાદ વધતાં યુનિવર્સિટીએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમણે તેને વિકસિત કરવાનો
દાવો કર્યો જ નથી. વાસ્તવમાં તે છાત્રોને શીખવા માટે લાવવામાં આવેલું એક ટૂલ છે. યુનિવર્સિટીએ
કહ્યું કે ગલગોટિયાએ આ રોબોટિક ડોગ બનાવ્યો નથી અને ન તો અમે ક્યારેય એવો દાવો કર્યો
છે. પરંતુ અમે એવાં મગજ તૈયાર કરી રહ્યાં છીએ જે જલ્દી જ ભારતમાં આવી જ ટેકનોલોજી ડિઝાઇન
કરશે, તેની એન્જિનિયારિંગ કરશે અને તેને અહીં જ બનાવશે.