• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

કચ્છને ત્રણ નવી કોલેજની ભેટ; નર્મદા માટે જંગી ફાળવણી

ગાંધીનગર, તા. 18 (પ્રતિનિધિ દ્વારા) : રાજ્યના આજે રજૂ થયેલા અંદાજપત્રમાં કચ્છ જિલ્લામાં શિક્ષણની દૃષ્ટિએ મહત્ત્વના વિકાસનાં પગલામાં ત્રણ કોલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ અંજાર તાલુકાના સિનુગ્રામાં કૃષિ કોલેજ, અંજારમાં પોલીટેકનિક અને માંડવી તાલુકાના ગઢશીશામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ શરૂ કરવામાં આવશે. નર્મદા જળ માટે દુધઇ સબ-બ્રાન્ચ કેનાલનાં કામ માટે રૂા. 2230 કરોડની જોગવાઇ સહિત જિલ્લા માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. અંદાજપત્રમાં કચ્છના પાણી, કૃષિ, પશુપાલન, આરોગ્ય, શિક્ષણ અને રહેણાક ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ યોજનાઓને સ્થાન આપવામાં આવ્યું છે. - નર્મદા નદીના ચોમાસામાં સમુદ્રમાં વહી જતાં પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં પહોંચાડવા માટે સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના, સૌની યોજના અને કચ્છ યોજના હેઠળ રૂા. 3,043 કરોડ  ફાળવાયા છે, જેમાં કચ્છ માટે 1333 કરોડ ઉપરાંત કચ્છ જિલ્લામાં દુધઈ સબ-બ્રાન્ચ કેનાલનાં કામો માટે રૂા. 2,230 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. - કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળ દૂર કરી બામ્બુ (વાંસ) અને સ્થાનિક વૃક્ષોનું વાવેતર તેમજ કચ્છના બન્ની ઘાસિયાં મેદાનમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે રૂા. 297 કરોડ ફાળવાયા છે. 10 નવીન ઘાસ ગોડાઉનના બાંધકામ અને મેદાનના વિકાસ માટે રૂા. 268 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. - આરોગ્ય ક્ષેત્ર માટે વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે રૂા. 28 કરોડ ફાળવ્યા છે. - કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે ભુજ ખાતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ માળખાંકીય સુવિધા વિકાસ અને આધુનિકીકરણ માટે રૂા. 1063 કરોડ ફાળવાયા છે. - કામધેનુ યુનિવર્સિટી હેઠળ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના સુદ્રઢીકરણ માટે રૂા. 18 કરોડ ફાળવાયા છે. - સામાજિક ક્ષેત્રમાં મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથે આવાસ ફાળવવા રૂા. 25 કરોડ ફાળવાયા છે. - સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂા. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓ કચ્છ અને રાજ્યના વિકાસને નવી દિશા આપશે અને લોકોની જીવનજાતે સુવિધાઓમાં વધારો થશે. 

Panchang

dd