આધુનિક ડિજિટલ દુનિયામાં
પળેપળ નવી શોધ અને દુરુપયોગના ઉપયોગની બેધારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપર લગામ
કસવાનાં પગલાં જાહેર કરાયાં છે. ખાસ તો એઆઈની મદદથી ઓડિયો અને વીડિયોના કન્ટેન્ટ બનાવીને
તેનાં સ્વરૂપને પોતાની મુનસફી પ્રમાણે બદલવાનાં વધેલાં ચલણે હવે પોત પ્રકાશવું શરૂ
કર્યું છે. સ્વાભાવિક છે કે, એઆઈની
મદદથી વપરાશકારોની ટેક્નોલોજિકલ અભિવ્યક્તિ, રચનાત્મકતા અને લોકો
સુધીની પહોંચ વધારવામાં ભારે મદદ મળી રહી છે, પણ આ માધ્યમની કાળી
બાજુએ ભલભલાને ધ્રુજાવી મૂક્યા છે. એઆઈનાં માધ્યમના બેલગામ ઉપયોગે કોઈ પણ વ્યક્તિની
ગરીમા, સામાજિક સૌહાર્દ અને બંધારણીય ધોરણો પર નકારાત્મક અસર
કરી હોવાનું સામે આવી રહ્યંy છે. હવે આ પડકાર અને જરૂરતને પહોંચી વળવા ભારત સરકારે ઈનફોર્મેશન
ટેક્નોલોજીને લગતા 2021ના કાયદા
અને નવેમ્બરના 202પના ઈન્ડિયા એઆઈ મિશન હેઠળની
એઆઈ ગવર્નન્સ ગાઈડલાન્સ 202પનો સમન્વય
કરીને વાસ્તવિક નુકસાનને પહોંચી વળવા કાયદાકીય જવાબદારીઓ નક્કી કરી છે. સાથોસાથ એઆઈના
જવાબદારીભર્યા ઉપયોગ માટે નીતિગત સિદ્ધાંતો નક્કી કર્યા છે. તમામ પક્ષોની સાથે ઝીણવટભરી ચર્ચા બાદ તૈયાર કરાયેલા
આ નિયમ અને માર્ગદર્શક સિદ્ધાંતો પરથી સરકારનો ઈરાદો સ્પષ્ટ થાય છે. સરકાર ઈચ્છે છે
કે, ટેક્નોલોજીનો વિકાસ અને ઉપયોગ એ રીતે થવો જોઈએ,
જેથી પારદર્શકતા, જવાબદારી અને નાગરિકોના સન્માનની
જાળવણી થઈ શકે. નવા નિયમોમાં એઆઈના ઉપયોગ વડે
તૈયાર કરાયેલા કન્ટેન્ટની સ્પષ્ટ અને વ્યાવહારિક પરિભાષા અપાઈ છે. ખાસ તો આવા એઆઈ આધારિત કન્ટેન્ટમાં એઆઈના ઉપયોગનો
સ્પષ્ટ ઉલ્લેખ હવે ફરજિયાત કરાયો છે, જેથી તેને જોનાર કે માળનારા
વર્ગને તે કઈ રીતે તૈયાર થયું છે તેની બરાબર જાણકારી મળી રહે. વળી આવા એઆઈ આધારિત કન્ટેન્ટને ચોક્કસ લેબલ કે ઓળખ
આપવી જે રીતે ફરજિયાત કરાઈ છે તે જ રીતે આવી ઓળખને હટાવવા સામે પણ ખાસ પ્રતિબંધ લદાયો
છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, એઆઈ અંગેના આ માર્ગદર્શક ધોરણો છતાં હાલે અમલી આઈટી એક્ટના નિયમોની કાયદાકીય
જવાબદારી તો યથાવત્ રહેશે. આમ આવનારા સમયમાં એઆઈનો વધુ જવાબદારી સાથે ઉપયોગ કરવા પર
સરકારનું ધ્યાન કેન્દ્રિત રહેશે, પણ હાલે જે રીતે સોશિયલ મીડિયાનાં
માધ્યમોમાં નવી-નવી એપ્લિકેશન ધૂમ મચાવી રહી છે તે જોતાં સરકારે એઆઈની સાથોસાથ અન્ય
માધ્યમોને પણ નિયંત્રણમાં રાખવા ધ્યાન આપવાનું રહેશે. વળી હાલે કોઈ નિયમ કે માર્ગદર્શક
સિદ્ધાંત અસરકારક જણાતા હોય છે, પણ ઝડપથી બદલાતાં જતાં ચિત્રની
સાથે સતત તાલ મિલાવવાની તૈયારી પણ સરકારે રાખવી જોઈશે. જરૂરત મુજબ ત્વરિત પગલાં એ આ
ક્ષેત્રના દુરુપ્યોગને નાથવાનો તકાજો હોવાની વાત સતત ધ્યાને રાખવી જોઈએ.