મહાકાય ઉદ્યોગો અને પ્રવાસન કચ્છના વિકાસનાં બે મુખ્ય એન્જિન
બની રહ્યાં છે અસાધારણ લંબાઇ-પહોળાઇનાં કન્ટેનરો,
ઔદ્યોગિક સામગ્રી, પવનચક્કીના પાંખડા ભરેલી વિશાળ
ટ્રકથી લાંબી લાઇન કોઇપણ સમયે કચ્છના રસ્તાઓ પર જોવા મળે છે. દુનિયા કચ્છના આ વિકાસને
બિરદાવી રહી છે, પણ આ સીમાવર્તી જિલ્લો જુદાં-જુદાં સ્વરૂપે તેની
મોટી કિંમતે ચૂકવી રહ્યો છે. એમાં સૌથી ગમગીન કરનારી વાત છે લોહિયાળ માર્ગ અકસ્માતોની.
ભુજ, અંજાર, મુંદરા, નખત્રાણા, અબડાસા, માંડવી-કચ્છના
કોઇ રસ્તા બાકી નથી જેના પર દરરોજ નવલોહિયાઓ મહાકાય ડમ્પર કે ટ્રક કે ટેન્કરની ટક્કરમાં
પ્રાણ ગુમાવતા જ હોય કેટલાય પરિવાર વિંખાય છે, ખંડિત થાય છે.
માધાપર પાસેના નળ સર્કલથી સ્મૃતિવન રોડ પહોળો થઇ રહ્યો છે. અલગ-અલગ ટુકડાઓમાં રસ્તાના દુરસ્તીકરણનું કામ ચાલી રહ્યું છે. એમાં ગતિનો અભાવ
અને કયાંક ટ્રાફિકની સલામતીના માપદંડો સામે આંખ આડા કાનને કારણે ગંભીર અકસ્માત નીપજી
રહ્યા છે. ભુજના એરપોર્ટ રિંગરોડ પર ઉપરાઉપરી જીવલેણ અકસ્માતનાં પગલે રોષે ભરાયેલા
નાગરિકોએ ટ્રાફિક રોકીને ગુસ્સો ઠાલવ્યો. એ પછી સફાળાં જાગેલાં તંત્રએ રિંગરોડનાં ટ્રાફિક
નિયમનનું જાહેરનામું બહાર પાડયું, માર્ગદર્શિકા જાહેર થઇ,
પરંતુ તેના અમલનું શું ! ભારેખમ વાહનો, લક્ઝરી
બસોને દિવસ દરમ્યાન ભુજ શહેરના આંતરિક માર્ગો પર પ્રવેશબંધી હોવાનું ફરમાન જૂનું છે,
છતાં તેનો અમલ થતો નથી. ટ્રાફિક પોલીસ ક્યારેક કરવા ખાતર કેસ કરતી હશે
બાકી બધું લોલંલોલ જ ચાલતું જોવા મળે છે. અંજાર - ગાંધીધામના બાયપાસ વિસ્તૃતીકરણને
લીધે ઘણો ટ્રાફિક શહેર અંદરથી પસાર થતો હોવાથી ગંગાનાકે દરરોજ કલાકોનો જામ લાગે છે.
કચ્છના ટ્રાફિક પ્રશ્નનો નિવેડો લાવવા માટે પોલીસની કડક કાર્યવાહી જરૂરી છે. દંડ કે
ચલણ આમ નાગરિકોને ફટકારો, પણ બેફામ દોડતા છકડા, જીપ, જૂના હેવી વાહનો, ટ્રકો,
લક્ઝરી બસોને કેટલો દંડ થાય છે. મોટા હપ્તાના આક્ષેપનો સામનો કરતી ખાખી
વર્ધીએ એનો જવાબ આપવો રહ્યો છે. ગાંધીધામ, ભુજ વચ્ચેનો માર્ગ
મહદઅંશે શાનદાર બની ગયો છે, પણ રેલડી રેલવે ક્રોસિંગનો પ્રશ્ન
જેમનો તેમ છે. ભુજ, ભચાઉ વાયા દુધઇ માર્ગનું કામે ગોકળગાય ગતિએ
ચાલે છે... ભુજ-મુંદરા રસ્તો દુરસ્તીકરણ અને વિસ્તૃતીકરણની રાહ જોઇ રહ્યો છે. બળદિયા
અને ભારાપર એ બે ગામને ચીરીને પસાર થતો આ રસ્તો રોજ ટ્રાફિકના પ્રશ્નો ઊભા કરે છે.
વિકાસ જરૂરી છે એની ના નહીં, પણ એની સીધી કે આડકતરી અસરની નિયમિત
સમીક્ષા કરીને ઉપાય થવા જોઇએ. રસ્તા-પુલનાં કામો સોંપાયા પછી એની નિયમિતતા-ગુણવત્તા
પર કરડી નજર રહેવી જોઇએ. આખરે લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી તંત્રની છે. ભુજ
શહેરમાં મોરબી પુલ હોનારત પછી ડરના માર્યા કૃષ્ણાજી પુલ બંધ કરી દીધો. એ પછી કામ મંજૂર
થવા, ટેન્ડરના દાવા આવ્યા, પણ હજુ કોઇ ચહલપહલ
દેખાતી નથી. વીતેલાં વર્ષમાં કચ્છમાં માર્ગ અકસ્માતના 365 બનાવ બન્યા હતા. આ આંકડો ગંભીર
સ્થિતિ સૂચવે છે. માનવ જિંદગી રસ્તે તરફડીને દમ તોડવા માટે નથી, તેનું રક્ષણ થવું જોઇએ. લોકોએ પણ ઓવર સ્પીડ
નિવારવી જોઇએ. સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા ટ્રાફિક નિયમોનું પાલન
કરવું જોઇએ.