• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગળપાદર નજીક હેરોઈન વેચવા આવેલો ઉત્તરપ્રદેશનો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 18 : તાલુકાના ગળપાદર નજીક ભચાઉ બાજુ જવાના સર્વિસ રોડ પર ઉત્તરપ્રદેશથી અહીં માદક પદાર્થ વેચવા આવેલા શખ્સને એસ.ઓ.જી.એ પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 64,600નું હરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. ગળપાદર બાજુ ઉત્તરપ્રદેશના બરેલીનો અંજુમ અકીલ નામનો શખ્સ માદક પદાર્થ વેચવા આવ્યો છે તેવી પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી. ગળપાદર નજીક ભચાઉ તરફ જતા સર્વિસરોડ પર મીનાક્ષી હેન્ડલિંગના વાડા પાસે પહોંચી પોલીસે બરેલીના આ શખ્સ અંજુમ અકીલ અહેમદ સિદિકીને પકડી પાડયો હતો. તેણે પહેરેલ પેન્ટના ખિસ્સાની તપાસ કરાતાં પેન્સિલ સેલવાળો વજનકાંટો, બે મોબાઈલ, રોકડ રકમ વગેરે મળી આવ્યા હતા. માદક પદાર્થ ન મળતાં તેની સઘન તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન તેણે માથે બાંધેલા ગમછાની તપાસ કરાતાં એક છેડે ગાંઠ વાળેલી દેખાઈ હતી જે ખોલી જોતાં તેમાં માચીસબોક્સ મળ્યું હતું. માચીસબોક્સ ખોલતાં તેમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ શખ્સને એસ.ઓ.જી. કચેરી આદિપુર ખાતે લઈ જઈ એફ.એસ.એલ. અધિકારી દ્વારા માદક પદાર્થની પ્રાથમિક ખરાઈ કરાતાં આ પદાર્થ હેરોઈન, મોર્ફિન, કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આ શખ્સે માદક પદાર્થ હેરોઈન જ હોવાનું કહ્યંy હતું. તેની પાસેથી રૂા. 64,600નો માદક પદાર્થ, વજનકાંટો, નશો વેચીને એકત્રિત કરેલા રોકડ રૂા. 12,700, બે મોબાઈલ એમ કુલ રૂા. 83,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે અહીં છૂટકમાં લોકોને નશો વેચ્યો હતો તેમજ પોતે ક્યાંથી લઈ આવ્યો હતો તે અંગે તેણે કંઈ કહ્યું ન હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd