સ્પોટલાઈટ : દીપક માંકડ : નેવુંના દાયકામાં છારીઢંઢના
પ્રવાસનું સંભારણું અનેક કારણસર મનમાં કોતરાઇ ગયું છે. કચ્છમિત્રની કમાન્ડર જીપમાં
વહેલી સવારે મ.કુ. હિંમતસિંહજીને લેવા ગયા... બાવાસાહેબ તરીકે ઓળખાતા હિંમતસિંહજી એટલે
કચ્છના પર્યાવરણ જીવસૃષ્ટિ, વહીવટી બાબતોના
અતિ જાણકાર... કચ્છની રગેરગ પિછાણે. નિર્મલસિંહના વાડીવિસ્તારમાં તેમનું ઘર. હન્ટર
શૂટ, માથે ફેલ્ટ હેટ, શૂઝ પહેરીને મ.કુ.
સાથે જીપમાં બેઠા. અમારા ત્યારના તંત્રી કીર્તિભાઇ ખત્રી અને ફોટોગ્રાફર તરીકે યોગેન
પણ સાથે... ડિસેમ્બર 1997ની શરૂઆતના
એ દિવસો... છારીઢંઢ પહોંચ્યા, ત્યારે
તડકો નીકળી ગયો હોવાથી પક્ષીઓ છેક અંદર ચાલ્યાં ગયાં હતાં, પણ
ઊંટનાં ધાડાં ને ધાડાં વિચરતાં હતાં. પંખીઓના મૂલક પર સાત-આઠ હજાર ઊંટ અને ઘેટાં-બકરાંનાં
ટોળાંને ભેલાણ કરતાં જોઇને હિંમતસિંહજીએ ચિંતા દર્શાવી કે આ જાનવરો સીમાડો ઉજ્જડ કરી
નાખશે. છારીઢંઢ પંખીઓ માટેનું સ્વર્ગ છે. : તપશ્ચર્યાનું પરિણામ : નખત્રાણા તાલુકામાં આવેલા આ રમણીય જળાશય વિસ્તારને સત્તાવાર
રીતે રામસર સાઇટ જાહેર કરાયો છે. દાયકાઓની તપશ્ચર્યા-રજૂઆતનું આખરે સુખદ પરિણામ આવ્યું
છે. કચ્છના પક્ષીવિદ્એ સહર્ષ આવકાર આપ્યો છે. મ.કુ. હિંમતસિંહજીના આત્માને સ્વર્ગમાં
સુકુન મળ્યું હશે. છારીઢંઢ ગુજરાતનો પાંચમો અને કચ્છનો પ્રથમ આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત
જળપ્લાવિત વિસ્તાર બન્યો છે. નાની બન્નીનો છારી- ફુલાય-ઢંઢ પંખી મેળા માટે મશહૂર છે.
આ એક વિશિષ્ટ પ્રકારનો ભૂભાગ છે. કારણ કે, અહીં સૌથી વધારે સંખ્યામાં કુંજ પક્ષી આવે છે. - ઇકો ટૂરિઝમને વેગ મળશે : આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટની માન્યતા
મળતાં હવે ફાયદો શું થશે એ વિશે પૂછતાં પશ્ચિમ
કચ્છના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કર કહે છે કે,
ઇકો ટૂરિઝમને વેગ મળશે. હવે આંતરરાષ્ટ્રીય પક્ષીવિદો્, પ્રકૃતિપ્રેમીઓનાં આગમનથી સ્થાનિકે આસપાસનાં ગામોમાં પણ રોજગારીની તકો વધશે.
- તંત્રના પ્રયાસો : અત્યારે અહીં ઇકો ટૂરિઝમ સેન્ટર છે, તેમાં હજુ સુવિધાઓનો વધારો કરવામાં આવશે,
જેથી પર્યટકો રોકાણ કરી શકે. અગાઉથી બૂકિંગ પણ કરાવી શકશે. ગાઇડ રાખવામાં
આવશે. આસપાસના ફુલાય, છછલા તેમજ મોટી વિરાણી સહિતનાં ગામોને ફાયદો થવાનો છે. વનતંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં
આવશે તે નજીકનાં ગામોની એક સમિતિ બનાવી સંચાલન સોંપવામાં આવશે, જેથી તેઓને રોજગારી મળે. આસપાસનાં ગામોમાં ધોરડોની જેમ રિસોર્ટ, હોમસ્ટે પણ બનાવવાનું આયોજનમાં છે. - દુનિયા આફરિન : અહીં એ નોંધનીય છે કે, દુનિયાના બાવન જેટલા દેશના અભ્યાસુઓ, કેમેરામેન,
વિજ્ઞાનીઓ `છારીઢંઢ'ને પૃથ્વી પરનાં સ્વર્ગનો ખૂણો કહી ચૂક્યા છે.
યાયાવર પંખીઆનું આ ઘર છે. હિંમતસિંહજી તેનાં રક્ષણ માટે ઝઝૂમતા રહ્યા હતા. 2006માં ગુજરાતનું પ્રથમ જળપ્લાવિત
ભૂમિ સંરક્ષણ અભયારણ્ય (વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ) ઘોષિત કરાયું હતું. સ્થાનિક લોકોના
પાણી, ચરિયાણ સહિત પરંપરાગત અધિકારો જાળવીને છારીઢંઢનું
સંરક્ષણ કરવાની દિશામાં ઐતિહાસિક પહેલ થઇ હતી. ...રણપ્રદેશના રણ, દરિયો, ડુંગરના ખૂણેખૂણા
ખૂંદી વળેલા વન્યજીવન, ભૂગોળ, પશુ-પંખી
સહિત સમસ્ત જીવસૃષ્ટિના અભ્યાસુ અને તજજ્ઞ જુગલ કિશોર તિવારી સૂચન કરે છે કે,
છારીઢંઢ સાથે કિરો ડુંગરને જિઓપાર્ક ઘોષિત કરાય, લુણાના ક્રેટર લેકનો પણ વિકાસ થાય, તો વિશ્વભરના સહેલાણી
કચ્છ તરફ વધુ ખેંચાય. - ઇતિહાસમાં
ડોકિયું : `છારીઢંઢ'નું `રામસર સંરક્ષણ સાઈટ' જાહેર થવું બે દાયકામાં દેશ-દુનિયામાં પશુ-પંખીનાં ઘરસમાન છારીઢંઢ માટે બીજી
સીમાચિહ્ન સમાન ઘટના છે, ત્યારે તેના ઈતિહાસ પર એક ઉપરછલ્લી નજર
કરવી પણ રસપ્રદ રહે તેમ છે. આજથી 55 વર્ષ પહેલાં બીજી ફેબ્રુઆરી,
1971ના દિવસે ઈરાનમાં કેસ્પિયન
સમુદ્ર પાસે `રામસર'
નામે સી-રિસોર્ટમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો-તજજ્ઞો મળ્યા અને જળપ્લાવિત
વિસ્તારોમાં ભવિષ્ય તેમજ સંરક્ષણ પર મંથન કર્યું. ભારતમાં 1998માં ઓરિસ્સાનું ઝિલ્કા સરોવર
દેશના પ્રથમ `રામસર સંરક્ષણ સાઈટ' તરીકે જાહેર થયું. - 16 કિ.મી. લંબાઇ : છારીઢંઢ રકાબી જેવો આકાર ધરાવતો એક મોસમી
જળસ્રોત છે. સારા વરસાદ વખતે 16 કિ.મી. લંબાઈ
અને પાંચ કિ.મી. પહોળાઈવાળો આ વિસ્તાર પાણીથી ભરાઈને સૃષ્ટિની શોભા વધારી દે છે. `છારીઢંઢ'
નામ પાછળના અર્થો પણ જાણવા જેવા છે. આ ક્ષેત્ર છારી ગામ પાસે આવેલું
છે અને `ઢંઢ'
એટલે પાણીનો ભરાવ. આ એક સિંધી શબ્દ છે. સિંધમાં વરસાદના વાવડ પૂછો એટલે
લોકો કહેતા હોય છે કે, અસાં વટે ઢંઢ ભર્યા પ્યા ઐં. રજવાડાંના
વખતમાં પણ આ ક્ષેત્રનું ઘણું મહત્ત્વ હતું. શિયાળાના દિવસોમાં મહેમાન બનતા 40 હજારથી વધુ કુંજ તેમજ 228 જાતનાં બે લાખથી વધુ પક્ષી
છારીઢંઢને પોતાનું ઘર બનાવી લે છે. છેક રશિયાનાં પક્ષી પણ અહીં જોવા મળ્યાં છે. વરસાદ
થાય, ત્યારે કિરો ડુંગર બાજુની નરા, ગજણસર સહિત ઉત્તરવાહિની નદીઓનાં પાણી આવતાં છારીઢંઢ ભરાઈ જાય છે, જેમાં આવતી માછલીઓ પક્ષીઓનું ભોજન બને છે. - સૂર્યોદય-સૂર્યાસ્ત અદ્ભુત
: છારીઢંઢના સૂર્યોદય, સૂર્યાસ્ત, પશુ-પંખીઓનું
અહીં વિચરણ, ભોજન લેવા સહિતની ગતિવિધિઓ જોતાં છેલ્લા બે દાયકાથી
એટલે કે, 2005થી અહીં આવતા
રહેલા દુનિયાના બાવન દેશના કવિ, લેખક,
ચિત્રકાર, પત્રકાર, તસવીરકારો
મંત્રમુગ્ધ થયા છે અને છારીઢંઢને પૃથ્વી પરનાં સ્વર્ગ તરીકે નવાજ્યું છે એમ જે. કે.
તિવારી ઉમેરે છે. છારીઢંઢ જળપ્લાવિત ભૂમિની આસપાસના વિસ્તારોમાં પણ 32 જાતનાં શિકારી પક્ષી સહિત અદ્ભુત
પક્ષીસૃષ્ટિ જોવા મળે છે. દુકાળ વખતે છારીઢંઢ અમેરિકાના ટોટા જેવો સપાટ મેદાની ભાગ
બની જાય છે, ત્યારે ઉંદરની ઘણી જાતો
તેમજ શિકારી પક્ષીઓ આવે છે. - જોજો વિકાસનાં નામે કોઇ ચેડાં ન થાય : છારીઢંઢ એ કુદરતે હજારો વર્ષોથી રચી આપેલો
રણપ્રદેશની ભૂમિ પરનો એક મોસમી જળસ્રોત છે. આ બારમાસી તળાવ કે નદી જેવો સ્રોત ન હોવાથી
તેને વધુ પાણી ભરવા માટે ખોદવાની કે ઊંડાઈ વધારવાની કોશિશો કરીને તેની કુદરતી સુંદરતા
સાથે ચેડાં કરવાની ગંભીર ભૂલો થવી ન જોઈએ. - કિરો જિઓપાર્ક ! : જુરાસિક કાળનાં 14 કરોડ વર્ષથી વધુ જૂના અશ્મિઓ સાચવી બેઠેલા આ `ખમતીધર'
કિરો ડુંગરનાં ક્ષેત્રને `િજઓપાર્ક' ઘોષિત
કરાય, તો આ પ્રદેશનાં પ્રવાસન આધારિત અર્થતંત્રને પણ ગતિ મળી
શકે છે. બંગાળની જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર બારદાને આ ડુંગર પર પીએચ.ડી. કર્યું
છે અને મોટી સંખ્યામાં છાત્રો અભ્યાસ માટે આવતા રહે છે. - લુણા ક્રેટર લેક : રણપ્રદેશને કુદરતની અણમોલ ભેટ સમાન કિરો
ડુંગરની જેમ જ છારીઢંઢથી માત્ર 16 કિ.મી. દૂર
ભિટારા પાસેનાં લુણા ગામમાં એક `ક્રેટર લેક' છે. વૈદિક કાળમાં હડપ્પીય સંસ્કૃતિના સમયમાં
ઉલ્કાપિંડ પડયો હશે. તેનાથી પડેલા ખાડાથી આ તળાવ રચાયું હોવાનું મનાય છે. છારીઢંઢને
રામસર સંરક્ષણ સાઈટ ઘોષિત કરાઈ છે. એ જ રીતે કિરો ડુંગર ક્ષેત્રને જિઓપાર્ક જાહેર કરી
લુણાનાં ક્રેટર લેકને પણ સાંકળી લઈ વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન અપાવવાના પ્રયાસો
થાય, તો દુનિયાભરના સહેલાણીઓ આ સ્થળો તરફ ખેંચાઈ આવે. છારીઢંઢ
`રામસર'
જાહેર થતાં પ્રવાસન ક્ષેત્રે ઝડપથી અગ્રેસર કચ્છમાં નવુ આકર્ષણ ઉમેરાયું
છે. અલબત્ત, છારીઢંઢ આનંદ-પ્રમોદ કે પિકનિક સ્પોટ નથી... મોજ
કરવા આ સ્થળની પસંદગી ન કરજો... કાળા રસ્તા... અંતરિયાળ વિસ્તાર, હજુ સગવડો એટલી નથી... સૌથી વિશેષ એ કે, વિહંગોની દુનિયામાં
વધુ પડતી ખલેલ પણ ન થવી જોઇએ...