નવી દિલ્હી, તા. 18 : દુનિયાનાં સૌથી મોટાં સર્ચ એન્જિન `ગૂગલ'ના સીઇઓ સુંદર પિચાઇએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાને આ મુલાકાતની તસવીર શેર કરતાં કહ્યું હતું કે, ગૂગલ
કેવી રીતે ભારતના યુવાનો સાથે કામ કરી શકે તેના પર વિસ્તૃત ચર્ચા થઇ. આ સાથે જ ગૂગલ
ભારતમાં 1.25 લાખ કરોડનું
રોકાણ કરશે, જે દેશના પહેલા મોટા એઆઈ
હબના નિર્માણ માટે પણ હશે. પિચાઇ ઉપરાંત મોદીએ ફિનલેન્ડના વડાપ્રધાન પેટેરી ઓર્પો તેમજ
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રોસાંચેઝ સાથે પણ અલગ અલગ બેઠકો કરી હતી. ફિનલેન્ડ સાથે દ્વિપક્ષી
વેપાર બમણો કરવાનું લક્ષ્ય તેમજ 6જી, ક્લીન એનર્જી,
જૈવિક ઇંધણ સર્કુલર ઇકોનોમી જેવાં ક્ષેત્રો પર સહયોગ વધારવા અંગે ચર્ચાઓ થઇ હતી. સ્પેન સાથે રક્ષા, સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સંબંધો વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરાઇ
હતી. દરમ્યાન, એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં વડાપ્રધાન મોદીએ
કહ્યું હતું કે, ભારત દેશમાં 2030 સુધી આઇટી ક્ષેત્રનું કદ 400 અબજ ડોલર જેટલું થઇ જશે. એટલે
કે, લગભગ 36 લાખ કરોડનું થશે. એઆઇથી આઇટી
ક્ષેત્રને નવી તાકાત મળશે. આઇટી ક્ષેત્ર ભારત દેશની અર્થવ્યવસ્થાના આધાર સ્તંભ રૂપ
રહ્યુંં છે તેવું મોદી બોલ્યા હતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ઝડપી ઈન્ટરનેટની આવશ્યકતા
હોવાથી ગૂગલ અન્ડર સી ઈન્ટરનેટ કેબલ પાથરશે, જેથી એઆઈ સર્વિસમાં ઝડપ થશે. કંપનીએ દાવો કર્યો હતો કે, કરોડો લોકોને એઆઈ ટ્રેનિંગ પણ આપશે, જે ભારતને એઆઈ હબ
બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.