• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં મનપા દ્વારા વધુ 272 દબાણ દૂર કરાયા

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામના ઓસ્લો સર્કલથી લઈને કોટેશ્વર ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરાયા બાદ મહાનગરપાલિકાએ આજે કોટેશ્વર ચાર રસ્તાથી લઈને ગણેશનગરના ખૂણા સુધીના વધુ 272  દબાણ દૂર કરવામાં આવ્યાં છે. ગોપાલપુરીથી લઈને ગણેશનગરના ખૂણા સુધીનો આઇકોનિક માર્ગ બનાવવાનો છે અને તેમાં નડતરરૂપ અતિક્રમણો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ તેમજ દબાણ હટાવ ઇસ્પેક્ટર શ્રી જોષી અને વિભાગના કર્મચારીઓ ઉપરાંત અલગ-અલગ વિભાગના વડાઓ જેસીબી સહિતનું મશીનરી સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કોટેશ્વર ચાર રસ્તાથી દબાણ દૂર કરવાનું શરૂ કર્યું હતું. સાંજ સુધીમાં ગણેશનગરના ખૂણા સુધીના તમામ અતિક્રમણ દૂર કરવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અવિરત દબાણહટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. રાજવી ફાટકથી લઈને ખોડિયાર નગર સુધીનાં દબાણો ઉપર કાર્યવાહી કર્યા બાદ ઓસ્લોના મુખ્ય રોડ ઉપર કાર્યવાહી થઈ છે. માર્ગોના વિકાસ માટે દબાણ દૂર કરવામાં આવે છે અને માર્ગોને વર્ષો પછી તેના મૂળ સ્વરૂપમાં લઈ આવવામાં આવી રહ્યા છે. ઓમ મંદિરથી લઈને રાજવી ફાટક અને ત્યાંથી ખોડિયારનગર થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ સુધીનો રિંગરોડ બનાવવાનો છે, જેના પગલે ત્યાં અતિક્રમણ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને હવે આદિપુરમાં લીલાશાહ ફાટકથી લઈને ઓમ મંદિર સુધી જીઆઇડીસીના એક્સપ્રેસ લાઈન ઉપર થયેલાં દબાણને નોટિસો આપ્યા પછી સમયમર્યાદા બાદ ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. હાલના સમયે તો ઓસ્લોથી લઈને ગણેશનગરના ખૂણા સુધીના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 272 દબાણ દૂર કરીને માર્ગ ખુલ્લો કરાયો છે.  

Panchang

dd