• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામત રદ

નવી દિલ્હી, તા.18 : મહારાષ્ટ્રમાં નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમુદાયને આપવામાં આવતી 5 ટકા અનામત રદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે તાજેતરમાં આ અંગે એક આદેશ જારી કર્યો છે.  ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (જીઆર) એટલે કે શાસકીય આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ પહેલાં 5 ટકા અનામત સંબંધિત અગાઉના અધ્યાદેશની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને તે નિર્ણય પર અદાલતે વચગાળાની રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની અગાઉની સરકારે મરાઠા સમુદાયને 16 ટકા અને મુસ્લિમોને 5 ટકા અનામત આપવા માટે એક અધ્યાદેશ આપ્યો હતો. જુલાઈ 2014માં લાવવામાં આવેલા આ અધ્યાદેશ હેઠળ મુસ્લિમોને વિશેષ પછાત વર્ગ (એ) (એસબીસી-એ) કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા અને આ અનામત સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ પડતી હતી.  આ વટહુકમને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 14 નવેમ્બર 2014ના રોજ આના ઉપર રોક લગાવી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે 23 ડિસેમ્બર 2014ની અવધિ સુધી આ અધ્યાદેશને કાયદામાં પરિવર્તિત કર્યો નહોતો, જેના કારણે તે આપમેળે સમાપ્ત થઈ ગયો હતો. પછી સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરાયેલી સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) પર નિર્ણય આપતા અનામત રદ્દ કરી દીધી હતી. જેના કારણે આ નિયમ અમાન્ય બની ગયો હતો. અધ્યાદેશ અને સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી કોઈ સત્તાવાર આદેશ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલ જીઆર રદ્દ કર્યો નહોતો. પરંતુ હવે નવા આદેશ મુજબ વિશેષ પછાત વર્ગ (એ) હેઠળ આવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ જૂથ માટે સરકારી, અર્ધસરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 5 ટકા અનામત સંબંધિત તમામ અગાઉના નિર્ણયો અને અધ્યાદેશ રદ્દ કરી દેવામાં આવ્યા છે. 

Panchang

dd