રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ભારતીય સેનાના નિવૃત્ત વડા આર્મી ચીફ જનરલ
મનોજ મુકુન્દ નરવણેનાં `અપ્રકાશિત' પુસ્તક - `ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની'માંથી કેટલીક માહિતી ટાંકવાનો આગ્રહ - દુરાગ્રહ
- વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ રાખ્યા પછી લોકસભામાં ભારે ધાંધલ - ધમાલ થઈ અને કાર્યવાહી
ખોરવાઈ ગઈ. વડાપ્રધાન ચર્ચાનો જવાબ આપી શક્યા નહીં અને વિરોધ પક્ષે સ્પીકરમાં અવિશ્વાસ
વ્યક્ત કરતાં ઠરાવની નોટિસ આપી. આ વિવાદનાં મૂળમાં જનરલ નરવણેનું પુસ્તક અને તેમાં
અપાયેલી કેટલીક વિવાદાસ્પદ માહિતી છે. રાહુલ ગાંધીનો વ્યૂહ - પ્લાન વડાપ્રધાન મોદીની
નેતાગીરી ઉપર પ્રહાર કરવાનો છે, પણ સાથે સેનાની પ્રતિષ્ઠા ઉપર
પણ અસર થાય છે, તેની ચિંતા એમને નથી ! નરવણે 31મી ડિસેમ્બર, 2019થી 30 એપ્રિલ, 2022 સુધી ભારતીય
સેનાના વડા હતા અને આ સમયગાળા દરમિયાન લદાખમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણ થયું હતું. ઓગસ્ટ
- 2020માં ચીન સાથે તંગ સ્થિતિ હતી. આ સમયગાળાનું વર્ણન પુસ્તકમાં
છે : જનરલ કહે છે, વડાપ્રધાને
કહ્યું, જો ઉચિત સમજો વો કરો - રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે વડાપ્રધાને
નિર્ણય લીધો નહીં - (ડરપોક છે !) લોકસભામાં અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કરી શકાય નહીં
તેથી રાહુલ ગાંધીની ટિપ્પણી રેકોર્ડ ઉપર લેવાય નહીં તો રાહુલ ગાંધીએ સંસદનાં પ્રાંગણમાં
પુસ્તકની નકલ પત્રકારોને બતાવી કે આ રહ્યું પુસ્તક ! આ વિવાદનાં બે પાસાં છે : નરવણે
અને પુસ્તકના પ્રકાશક `પેંગ્વિન' કહે છે કે પુસ્તક છપાયું નથી, તેની પીડીએફ બહાર પડી નથી. વેચાયું નથી. નરવણે પણ પ્રકાશકનું સમર્થન કરે છે,
પણ મુખ્ય પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ લોકસભામાં આ પ્રશ્ને વિવાદ શરૂ
કર્યો ત્યારે પ્રકાશક અને નરવણે ચૂપ કેમ રહ્યા ? કેમ કહ્યું નહીં
કે પુસ્તક અપ્રકાશિત છે ? દિલ્હી પોલીસે આપમેળે એફઆઈઆર દાખલ કરીને
તપાસ શરૂ કરી ત્યારે પ્રકાશક અને નરવણેએ ખુલાસો કર્યો, પણ ખુલાસો
પ્રતીતિકર નથી. સામાન્ય બાબત એવી છે કે પ્રકાશક પુસ્તકનો સારાંશ અખબારોને પબ્લિસિટી
માટે આપે, જેથી વાચકોમાં રસ જાગે અને વેચાણ થાય. આ પુસ્તકની આગોતરા
માહિતી પીટીઆઈ દ્વારા 2023માં અપાઈ
હતી અને તાજેતરમાં `કેરવાન' નામનાં સામયિકે તેના અંશ છાપ્યા. આ અગાઉ `એમેઝોન'
ઉપર પુસ્તક પ્રાપ્ય હોવાનું જણાવાયું હતું એમ કહેવાય છે ! હવે પોલીસ
તપાસ થઈ રહી છે કે રાહુલ ગાંધીના હાથમાં આ પુસ્તક કેવી રીતે, ક્યાંથી આવ્યું? આ ઘટના પાછળ `કાવતરું'
હોવાની શંકા દર્શાવાય છે. કોરોના દરમિયાન રાહુલ ગાંધીએ વારંવાર ચીને
જમીન પચાવી હોવાના આક્ષેપ કર્યા હતા, જેને ભારતીય સેનાએ રદિયો
આપ્યો હતો. આ પછી નરવણેનાં પુસ્તક ઉપર અમેરિકા સ્થિત કેટલાક લોકોની પણ નજર અને ઇંતેજાર
હોવાનું મનાય છે. રાહુલ ગાંધી પાસે જે પુસ્તક છે તેની નકલ અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ પહોંચી હોવાનું મનાય છે ! આમ,
આ પુસ્તકના વિવાદનાં મૂળ ઊંડાં છે. જનરલ નરવણેની ઇચ્છા અથવા પ્રયાસ વડાપ્રધાનની
પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો હોય જ નહીં, પણ પડદા પાછળના સૂત્રધારો
સક્રિય હતા. મૂળ વાત એ છે કે વડાપ્રધાને કહ્યું હોય કે જે
યોગ્ય લાગે તે કહો - કરો. - તો એમાં ખોટું શું છે ? રાજકીય નેતાગીરી
સેનાને છૂટો હાથ આપે જ. લશ્કરી પગલાં ક્યારે, કેવાં
લેવાં તે સેનાના વડા જ નક્કી કરી શકે. આમાં વડાપ્રધાનની `બેજવાબદારી' નથી, પણ `દખલ' નહીં કરવાની નીતિ છે. રાહુલ ગાંધીને બાંગલાદેશનો
ઇતિહાસ અને ભારતીય સેનાની કામગીરીનું જ્ઞાન - જાણ હોય નહીં તો મેળવવું જોઇએ. બેજવાબદારી
વડાપ્રધાનની નથી, વિરોધી નેતાની છે ! 1962નાં ચીની આક્રમણ પછી 1963માં વડાપ્રધાન નેહરુ અને સંરક્ષણ
પ્રધાન યશવંત રાવ ચવ્હાણને આપણા `ધબડકા'ની માહિતી માણેકશા આપી રહ્યા હતા, ત્યારે ઈન્દિરા ગાંધી બેઠકમાં જોડાવા માગતાં હતાં, પણ
માણેકશાએ ચોખ્ખી ના પાડી. ગુપ્તતાના શપથ લીધા હોય નહીં, એવી વ્યક્તિ
માટે મીટિંગના દ્વાર બંધ છે એમ કહ્યું હતું. (આ માહિતી ચવ્હાણના તત્કાલીન સચિવ આર.બી.
પ્રધાને એમનાં પુસ્તકમાં આપી છે.) બાંગલાદેશનાં યુદ્ધ પહેલાં ઈન્દિરા ગાંધીએ માણેકશાને
પૂછયું : તમે શું કરો છો ? જવાબ મળ્યો : `કાંઈ જ નહીં. નથિંગ.' તમે (વડાપ્રધાને) બીએસએફ, સીઆરપી અને રોને કામે લગાડી અને પાકિસ્તાનીઓને ભડકાવ્યા, ચેતવ્યા ત્યારે અમને પૂછયું હતું ? હવે મુશ્કેલીમાં છો
ત્યારે મને યાદ કર્યો. મારું નાક પણ લાંબું છે, ક્યાં શું થાય
છે તે જાણું છું.' ઈન્દિરા ગાંધી તાત્કાલિક યુદ્ધ - કૂચ કરવા
માગતાં હતાં. માણેકશાએ ચોથી ડિસેમ્બર અનુકૂળ હોવાથી પસંદ કરી હતી.
***
ફિલ્ડ માર્શલ માણેકશા નિવૃત્ત થયા પછી તામિલનાડુમાં આર્મી હોસ્પિટલમાં
હતા. 93 વર્ષની વય હતી, પણ હજુ પેન્શનની ચડેલી રકમ 1.16 કરોડ રૂપિયા મળી નહોતી. એમની
અંતિમયાત્રામાં કોઈ રાજકીય નેતા જોડાયા ન હતા. તત્કાલીન સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની
પણ હાજર રહ્યા નહીં. ફિલ્ડ માર્શલ માણેકશાનું મરણોત્તર સન્માન કે અપમાન ભારત સરકારે
કર્યા પછી બાંગલા સરકારે ભારત અને ભારતીય સેનાના શહીદ થયેલા સૈનિકોનું જાહેર સન્માન
કર્યું. બાંગલાદેશનાં યુદ્ધ અંગે ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓ અને નિષ્ણાતોએ ઘણાં
પુસ્તકો લખ્યાં છે. વિશેષ કરીને ઈન્દિરા ગાંધી લશ્કરી પગલાં વહેલાં લેવાની તરફેણ કરતાં
હતાં, જેથી નિરાશ્રિતોનો બોજ વધે નહીં, પણ જન. માણેકશા ચોમાસાં પછી જ આગળ વધવાના હિમાયતી હતા - જો માર્ચ - એપ્રિલમાં
લશ્કર આગળ વધે તો ફસાઈ જાય અને ત્રણથી ચાર મહિના લડાઈ ચાલે. માણેકશા હંમેશાં સેનાના સાથી અફસરોનો અભિપ્રાય જાણીને નિર્ણય લેતા હતા. લેફ.
જનરલ બી. ટી. પંડિતની સ્પષ્ટ સલાહ સ્વીકારી હતી. ઈન્દિરા ગાંધી પીએન હકસર અને ડીપી
ધરની સલાહ માનતાં હતાં. નિવૃત્ત વાઇસ એરમાર્શલ અર્જુન સુબ્રમણ્યમે સ્પષ્ટ લખ્યું
છે કે વડાપ્રધાન તથા સંરક્ષણ વડા વચ્ચેની ચર્ચા - વિચારણાની `િમનિટ્સ' - રેકોર્ડ ઉપર નહીં હોવાથી અલગ અલગ `ઇતિહાસ' લખાય છે ! સેનાના ઉચ્ચ અધિકારીઓ નિવૃત્તિ પછી જાત અનુભવનાં પુસ્તકો લખતા
હોય છે. આવાં ઘણાં પુસ્તકો લખાયાં અને પ્રકાશિત થયાં છે, પણ તે માટે સંરક્ષણખાતાંની મંજૂરી - ક્લીયરન્સ
અનિવાર્ય છે. મહત્ત્વની - સેન્સિટિવ માહિતી લખવામાં આવી હોય, વ્યૂહાત્મક વિગતો આપી હોય તો તેવાં લખાણ - પુસ્તક પ્રકાશિત કરવા પહેલાં સેનાનાં
સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલની મંજૂરી લેવી જોઇએ
- આ વિભાગ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ હેઠળ હોય છે. આ ઉપરાંત, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ લાગુ પડે. નિવૃત્ત થયા પછી પણ જવાબદારી છૂટતી નથી.
આ મંજૂરી મળ્યા પછી પણ સંરક્ષણ પ્રધાનના ખાતાં પાસેથી આખરી - ફાઇનલ મંજૂરી લેવી જરૂરી
છે. જનરલ નરવણેનું પુસ્તક આવી મંજૂરીમાં અટક્યું છે. 2024માં 35 પુસ્તકને મંજૂરી મળી, પણ નરવણેનું પુસ્તક અટકાવાયું છે. તો પછી અપ્રકાશિત
મંજૂરી વિનાનું પુસ્તક રાહુલ ગાંધીના હાથમાં કેવી રીતે પહોંચ્યું ? પોલીસ અને સેનાનાં સૂત્રોને પાકી શંકા છે કે મંજૂરીની લક્ષ્મણરેખા વટાવીને
પુસ્તક અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા
પહોંચ્યું છે ! આમ, પડદા પાછળના કાવતરાંખોરો - વડાપ્રધાન મોદીની
પ્રતિષ્ઠા ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે : જનતા સાથે સેનામાં પણ ભ્રમ ફેલાવવામાં
દેશદ્રોહી - દુશ્મનો સક્રિય છે. હવે તપાસ પૂરી થાય તે પછી પણ રાજકીય વિવાદ ચાલુ રહેશે.