નવીદિલ્હી, તા.18 : આપણે ત્યાં સામાન્ય ધારણા એવી
છે કે દેશ ઉપર ગર્વ લેવાની વાતમાં ભારતીયો મોખરે છે પણ અમેરિકામાં વાશિંગ્ટન ડી.સી.
સ્થિત પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો ખુલાસો
થયો છે. આ સંશોધન અનુસાર જ્યારે ભારતીયોને પુછાયું કે તેમને પોતાના દેશ પર કઈ વાતનું
ગૌરવ છે ત્યારે લગભગ દર ત્રણમાંથી એકે જવાબ આપવા પર ઇનકાર કર્યો અથવા તો તેમને સમજાયું
નહીં કે શું જવાબ આપવો. સર્વે એજન્સીનું કહેવું
છે કે, 31% લોકોએ આનો
કોઈ જવાબ આપ્યો નહોતો. આમ દેશ ઉપર ગર્વ લેવાની બાબતમાં અસ્પષ્ટતાની બાબતમાં સર્વેમાં
સામેલ 25 દેશમાંથી ભારત પ્રથમ સ્થાન
પર રહ્યું જ્યારે આ યાદીમાં અૉસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જર્મની, યુનાઇટેડ કિંગડમ
અને અમેરિકા જેવા દેશો પણ સામેલ હતા. 31% લોકોએ સર્વેમાં ઉત્તર ન આપ્યો
તેનો અર્થ એવો પણ નથી કે ભારતીયો પોતાના દેશ ઉપર ગર્વ નથી કરતાં. કારણ કે જ્યારે તેમને
એવો સવાલ કરવામાં આવ્યો કે, તેમને દેશની
કઈ વાત પર પર ગર્વ નથી, તો માત્ર 3% ભારતીયોએ નકારાત્મક જવાબ આપ્યો
હતો. આનાથી વિપરિત યુકેમાં 29% અને અમેરિકામાં
20% લોકોએ પોતાના દેશ પ્રત્યે નકારાત્મક
દૃષ્ટિકોણ પણ વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં નકારાત્મકતાની બાબતમાં ઇન્ડોનેશિયાને બાદ
કરતાં ભારત સૌથી નીચે રહ્યું છે. સર્વેમાં એ પણ સ્પષ્ટ થાય છે કે, દેશ પ્રત્યે ગર્વની બાબતમાં રાજકારણ પણ કોઈ
મોટું પરિબળ નથી. અમેરિકામાં સત્તારૂઢ પક્ષના સમર્થકો (8%) અને વિરોધીઓ (31%) વચ્ચે દેશ વિશે નકારાત્મક દૃષ્ટિકોણ
ધરાવવામાં 23 ટકાનો તફાવત હતો. ભારતમાં આ
તફાવત નગણ્ય છે. સત્તારૂઢ ભાજપ અને તેનાં સહયોગીના સમર્થક (1%) અને આ પક્ષો સાથે સંકળાયેલા
ન હોય તે લોકો (4%) વચ્ચેનો તફાવત
ખૂબ મામૂલી રહ્યો છે. આ સર્વે રિપોર્ટ 25 દેશોના 33,486 લોકોનાં
અભિપ્રાયો આધારિત છે. જેમાં ચીનનો સમાવેશ નથી. ડેટા ટેલિફોન, સામસામનું અને અૉનલાઇન ઇન્ટરવ્યૂનાં મિશ્રણથી
એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભારતની
સ્થિતિ વિશેષ છે કારણ કે સર્વેના પરિણામો થોડા અસહજ છે. જ્યારે દેશ પર ગર્વની વાત આવે
છે ત્યારે ભારતીયોના પ્રતિસાદમાં સૌથી સામાન્ય વિષય લોકો (10%) હતા. ત્યારબાદ કલા અને સંસ્કૃતિ, અર્થતંત્ર અને રાજકીય પ્રણાલી (8-8%) રહ્યા હતા. સામાન્ય ઓળખ અને
રાજકીય નેતૃત્વને અનુક્રમે 7% અને 6% લોકોએ ગર્વનું કારણ ગણાવ્યું
હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે સેના ઉલ્લેખ ખૂબ ઓછો (3%) થયો. ક્રિકેટ અને ખોરાકનો ઉલ્લેખ
સંપૂર્ણ રીતે નથી થયો. સર્વેમાં માત્ર 5% ભારતીયોએ ધર્મને ગર્વનો સ્રોત ગણાવ્યો હતો.