• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. આ પૂર્વે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ એકમેકના ઉમેદવારના `અપહરણ' કરવાની શરૂઆત કરી દીધી છે અને નાના-મોટા પક્ષો સાથે ચૂંટણી ગઠબંધન કરી વિરોધીઓને માત કરવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. રાજકારણમાં આવી ઊથલપાથલ ચાલુ છે ત્યારે તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે સ્થાપેલી `ભારત રાષ્ટ્ર સમિતિ'ની એટલે બીઆરએસની મહારાષ્ટ્ર શાખા શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષમાં વિલીન થવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યના બીઆરએસના બધા પદાધિકારીઓ છઠ્ઠી ઓક્ટોબરે પૂણેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પ્રવેશ કરવાના છે એવી ચર્ચા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં શરદ પવારની આ મોટી રમત હોવાનું ચર્ચાય છે. કેટલાક મહિના પહેલાં બીઆરએસ પક્ષે ધૂમધડાકા સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો હતો. શક્તિપ્રદર્શન કરીને બીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે નાગપુરમાં પક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. પંઢરપુરમાં મોટી રેલી કાઢી વિઠ્ઠલચરણે ગયા હતા. રાજ્યના રાજકારણમાં તેલંગાણાનો આ પક્ષ સનસનાટી મચાવશે એવાં ચિહ્નો જણાતાં હતાં. જો કે, ગણતરીના મહિનામાં પક્ષ વીટો વાળી લેતો હોવાનું ચિત્ર દેખાય છે. તેલંગાણામાં સૌથી મોટા પ્રાદેશિક પક્ષ બીઆરએસની છેલ્લી બે ચૂંટણીઓમાં પીછેહઠ થઈ છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ભારે પરાજયનો સામનો કરવા સાથે સત્તામાંથી ફેંકાઈ જવાનો વારો આવ્યો છે. આ ચૂંટણીમાં બીઆરએસને પછાડી કોંગ્રેસે ભારે વિજય મેળવ્યો હતો. રાજ્યમાં ભાજપ બીજા ક્રમાંક પર છે, બીઆરએસ ત્રીજા સ્થાને ફેંકાઈ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં પણ પક્ષની કામગીરી નિરાશાજનક જ હતી. સત્તા જવાને પગલે મહારાષ્ટ્રમાં આ પક્ષના નેતાઓ અકળાયા હતા. નબળાં સ્વાસ્થ્યને કારણે કે. ચંદ્રશેખર રાવની પક્ષ પરની પકડ ઢીલી પડી છે. તેનો જ ફાયદો લઈને શરદ પવારે પક્ષને ગળે લગાડયો છે. બીઆરએસની રાજ્ય શાખા શરદ પવાર રાષ્ટ્રવાદીમાં વિલીન થવાની હોવાને લઈ રાષ્ટ્રવાદીની શક્તિ વધવા છતાં આ બાબતથી મતોનું કેટલું રૂપાંતર થાય છે એ જોવું મહત્ત્વનું ઠરશે. બીઆરએસના વિચાર ઇન્ડિયા આઘાડીના વિચારોની પાલખી ઊંચકવાનું કામ કરે છે, આથી આ પક્ષ રાષ્ટ્રવાદીમાં વિલીન થવા છતાં આની અસર મહાયુતિના મતો પર થશે એવું જણાતું નથી. વળી, મહારાષ્ટ્રમાં બીઆરએસનો એવો કોઈ જનાધાર પણ નથી. નાગપુરમાં બીઆરએસે મોટી સભા યોજી પણ પક્ષની સંગઠનાત્મક બાંધણી જ નથી થઈ ત્યાં તેની પહોંચનો તો સવાલ જ નથી. કેટલાક પદાધિકારીઓ નીમવામાં આવ્યા હતા, પણ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવી એકંદરે તેમની સ્થિતિ હતી. વિશેષત: કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંના નારાજ લોકોને અને ઠેકઠેકાણે રાજ્યના નેતાઓને બીઆરએસએ આકર્ષયા હતા અને તેઓના ખભા પર પક્ષની જવાબદારી હતી તથા પદાધિકારી પોતાનાં પદોને ન્યાય આપવા માટે સજ્જ થયા ત્યાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીના પરાજયે પક્ષને હચમચાવી નાખ્યો. આથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટા ધરતીકંપની શક્યતા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang