• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગરીબ વિદ્યાર્થીની વહારે સુપ્રીમ કોર્ટ

પ્રતિભાશાળી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને બી.ટેક. પાઠયક્રમમાં એડમિશન અપાવવા માટે સુપ્રીમ કોર્ટે પોતાની અસાધારણ શક્તિનો ઉપયોગ કર્યો છે. કોર્ટે આઈઆઈટી ધનબાદના અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અતુલ કુમારને ઈલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના બી.ટેક. પાઠયક્રમમાં એડમિશન આપવાનો આદેશ આપ્યો છે. આ વિદ્યાર્થીએ ભારે ઉત્સાહ અને મહેનતથી આઈઆઈટીની પરીક્ષા પાસ કરવા છતાં ફક્ત સીટ ગુમાવી દીધી કારણ કે, તેની સમયસર ફી જમા થઈ શકી નહીં. આ પછી અતુલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ, ઝારખંડ કાયદાકીય સેવા પ્રાધીકરણ અને મદ્રાસ હાઈકોર્ટનો આશરો લીધો હતો, પણ કોઈ મદદ મળી નહીં. આથી તેણે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી અને કોર્ટે તેને નિરાશ નથી કર્યો અને તેની પ્રતિભાને ઓળખી તેને ન્યાય આપ્યો છે. જેમ ગરીબી જાતિ અને ધર્મ પૂછીને નથી આવતી, એવી જ રીતે પ્રતિભા પણ અમીર અને ગરીબ પૃષ્ઠભૂમિથી પ્રભાવિત નથી થતી. પ્રતિભાશાળી કોઈપણ વર્ગમાં હોઈ શકે છે. ગરીબીના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. કોઈપણ રાષ્ટ્ર કેટલી જલદી પ્રગતિ કરશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે, ત્યાં બધા માટે શિક્ષણ મેળવવું કેટલું સહેલું છે. દેશમાં આમ તો 14 વર્ષ સુધી નિ:શુલ્ક શિક્ષણની જોગવાઈ છે, આમ છતાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સ્તર પર શિક્ષણ વ્યવસ્થામાં અનેક અનિશ્ચિતતાઓ છે. ભારે ફી, ઉચ્ચ કટઓફ, સ્તરીય શિક્ષણ સંસ્થાઓનો અભાવ વગેરે અનેક કારણ છે, જેમાં વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી હોવા છતાં પણ પ્રવેશ નથી મેળવી શક્તા. એકતરફ સરકારી શિક્ષણ માળખાં સામે ગુણવત્તાના સવાલ ઊઠી રહ્યા છે. કચ્છ જેવા ગ્રામીણ જિલ્લામાં અંતરિયાળ ગામોમાં અનેક શાળા શિક્ષક વિહિન કે એક શિક્ષક પર ચાલતી હોય છે. શહેરોમાં પણ ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરીને પ્રવેશ મેળવવાનું ચલણ છે. આ સ્થિતિ સુધરવી જોઇએ. સરકારી શિક્ષણ વ્યવસ્થા અન્ય દેશોની જેમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હશે તો જ સમાજ જીવનનું સ્તર ઊંચું આવી શકશે. દરમ્યાન, પછાત વર્ગના એક વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટે તેના એડમિશનનો માર્ગ ખુલ્લો કરીને દેશના કરોડો ગરીબ વિદ્યાર્થીઓ માટે આશા જગાવી છે. વિદિત છે કે ડો. ભીમરાવ આંબેડકર પણ સામાજિક અને રાજકીય સહયોગથી જ પોતાનું શિક્ષણ પૂરું કરી શક્યા હતા. બંધારણનું લક્ષ્ય લોકકલ્યાણકારી રાજ્યનું દાયિત્વ છે કે, બધા માટે શિક્ષણ સુનિશ્ચિત હોય. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્ર, સરકાર, પ્રબુદ્ધ નાગરિકોને મોટી વાત કહી છે કે, અમે આવા પ્રતિભાશાળી યુવકને તકથી વંચિત નથી કરી શકતા. તેને મઝધારમાં ન છોડી શકાય. કોર્ટ બંધારણે સુપ્રીમ કોર્ટને ન્યાયના હિતમાં કોઈપણ આદેશ પસાર કરવાનો અધિકાર આપ્યો છે તેનો ખૂબ જ સમયોચિત યોગ્ય ઉપયોગ કર્યો છે. ભારત વિકસિત રાષ્ટ્ર ઝડપથી બની રહ્યું છે, શિક્ષણનો અધિકાર આપે છે, આમ છતાં વ્યવસ્થા એવી છે, જેમાં એક ગરીબ વિદ્યાર્થી માટે પોતાનો હક્ક મેળવવો મુશ્કેલ છે. રોજિંદા શ્રમિકના પુત્ર અતુલને પોતાનો હક્ક મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડયું. આ આપણી સરકારી શૈક્ષણિક વ્યવસ્થા સામે મોટું પ્રશ્ન ચિહ્ન છે. ભારતમાં લગભગ 24.4 ટકા ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં એડમિશનથી વંચિત રહી જાય છે. આપણી સરકારો અને શિક્ષણ સંસ્થાઓએ આ સ્થિતિ બદલવાની જરૂર છે. દરેક પ્રતિભાશાળી વિદ્યાર્થી માટે શિક્ષણની તક હોવી જોઈએ. સરકારે આના માટે મુખ્ય પ્રધાન નિધિની જેમ એક શિક્ષણ નિધિનું નિર્માણ કરવું જોઈએ. જેને લઈ કોઈ ગરીબ વિદ્યાર્થીને ફક્ત ફીના કારણે એડમિશનથી વંચિત ન થવું પડે. આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં પણ આવી નિધિની જોગવાઈ થવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang