• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સામખિયાળી નજીક કાર પલટી જતાં યુવાનનું અકાળે મોત

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક કાર ડિવાઈડરમાં અથડાઈ પલટી જતાં ગંભીર રીતે ઘવાયેલા મૌલિક ઘનશ્યામ ત્રિવેદી (ઉ.વ. 39)નું મોત થયું હતું. બીજી બાજુ અંજારના ગંગાનાકા નજીક છકડાની હડફેટે ચડતા મોપેડચાલક કિરીટભાઈ પટેલ નામના આધેડનું મોત થયું હતું. સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ ઉપર રાજપેલેસ હોટેલ આગળ આજે ઢળતી બપોરે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં રહેનાર મૌલિક ત્રિવેદી નામનો યુવાન કાર નંબર જી.જે. 03 - જે.એલ. 9354 લઈને ગાંધીધામ બાજુથી પરત રાજકોટ બાજુ જઈ રહ્યો હતો. દરમ્યાન કોઈ કારણોસર કાર ડિવાઈડરમાં અથડાતાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સામખિયાળી પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ અંજારના ગંગાનાકા પાસે એચ.પી. પેટ્રોલ પમ્પની સામે અકસ્માત સર્જાયો હતો. અંજારના સંઘવી હોમ્સ વિસ્તારમાં રહેનાર કિરીટ પટેલ ગત તા. 30/9ના એક્ટિવા નંબર જી.જે. 12 સી. એચ. - 3359 લઈને બજારમાં શાકભાજી લેવા ગયા હતા. દરમ્યાન સામેથી આવતા છોટાહાથી છકડા નંબર જી.જે. 12-બી.એક્સ.-1201એ એક્ટિવાને હડફેટમાં લેતાં આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. છકડાચાલક વિરુદ્ધ બ્રિજેશ કિરીટ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang