• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ચાડવા રખાલના વિકાસ માટે રૂા. 10 કરોડ ફાળવ્યા

ભુજ, તા. 4 : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ (હેણોતરો) બ્રિડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયા ફાળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજિત  સમારોહમાં જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે. કચ્છની મહત્ત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોરખોદીયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 સરિસૃપ અને 242 વિહંગ પ્રજાતિ મળી કુલ 296 જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહીં, 243 જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમાં છે. વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટૂરિઝમ એસ્હક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની 4900 હેક્ટર જમીનનો કબજો કચ્છના પૂર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang