• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

હાય મોંઘવારી ! સફરજન ને ટમેટાં સરખા : 100 રૂા. કિલોના

ભુજ તા. 4  : કચ્છ સહિત ગુજરાતભરમાં ગત ચોમાસું સારું ગયુ છે જેના કારણે એકતરફ ખેડૂતો ખુશખુશાલ છે, તો બીજીતરફ વરસાદના કારણે શાકભાજીના પાકોને નુકસાન થવાથી માર્કેટ યાર્ડોમાં આવકો ઓછી થતાં ડુંગળી, બટેટા, ટમેટાં, મરચાં જેવા રોજબરોજના જરૂરી શાકભાજીના ભાવો આસમાને આંબી રહ્યા છે, તો બીજી તરફ બજારોમાં બારેમાસ મોંઘા મળતાં સફરજનની કિંમત તળિયે આવી જતાં `ટકે શેર ભાજી, ટકે શેર ખાજા' જેવો તાલ સર્જાયો છે. આજે છૂટક બજારમાં સફરજન રૂા. 100ના કિલો હતા ને ટમેટાયે રૂા. 100ના કિલોના ભાવે વેચાયા હતા. ચોમાસાની સિઝનમાં બજારમાં આમેય લીલોતરી જેવા શાકભાજી ઓછા આવતા હોય છે તેથી મોટાભાગે લોકો ડુંગળી, બટેટાનો વધુ ઉપયોગ કરતા હોય છે, જેનાથી આ કંદમૂળની માંગ વધવાથી નિયમ મુજબ જેની માંગ વધુ તેના દામ પણ વધુ પ્રમાણે ભાવો ઊંચેને ઊંચે જઈ રહ્યા છે, તો આ બંનેના શાક માટે જરૂરી એવા ટમેટા અને મરચાંનીયે માંગ વધવાથી તેનાયે ભાવોમાં ઉછાળો આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. દરરોજ જરૂરી એવા ડુંગળી, બટેટા, ટમેટા અને મરચાં જેવા શાકભાજીના ભાવોની વાત કરીએ તો છેલ્લા એક પખવાડિયા કરતાં વધુ સમયથી ડુંગળીના હોલસેલના ભાવો રૂા. 40થી 55, બટેટાના રૂા. 32થી 35, ટમેટા રૂા. 35થી 70 અને મરચાંના ભાવો રૂા. 45થી 70ને આંબી ગયા છે, આ તો ભાવો થયા હોલસેલના જ્યારે બજારો અને હાથલારીઓ પર છૂટક વેચાતા આ શકાભાજીના ભાવો પર કમિશન, ઘાટી જેવા પરિબળો ચડી જતાં ભાવો આસમાને પહોંચી જાય છે, જેના કારણે મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોવાની ફરિયાદો  મહિલા વર્ગમાંથી સંભળાઈ રહી છે. બીજીતરફ દાળ અને કઠોળના ભાવોયે ઊંચા હોવાથી લોકોએ શું ખાવું તેવો સવાલ નાગરિકોને સતાવી રહ્યો છે. દરમ્યાન આ અંગે બજારના જથ્થાબંધ વેપારી એવા ચિંતનભાઈ ઠક્કરનો સંપર્ક?સાધતાં તેમણે જણાવ્યું કે, ગત ચોમાસાના કારણે ટમેટાના પાકનું ઉત્પાદન ઓછું થવાથી તેમજ ડુંગળી વરસાદમાં પલળવાથી ખરાબ થઈ જતાં બજારમાં આવકોનું પ્રમાણ ઘટયું છે, તેથી ભાવોમાં ઉછાળો થયો છે, તો ટમેટાં-મરચાં પાછળ દુધી,  ધાણા, મેથી, આદુ જેવા અન્ય શાકભાજીના ભાવો પણ ઊંચકાતા હોય છે. તો ભુજના માર્કેટ યાર્ડમાં લક્ષ્મી વેજીટેબલ એન્ડ ફ્રુટના જથ્થાબંધ વેપારી દીપકભાઈ ગોરે જણાવ્યું કે, અમદાવાદ, રાજકોટ અને ગોંડલથી આવતા સફરજનની હાલ સિઝન ચાલતી હોવાથી આવકો ઘણી છે, તેથી ભાવો નીચા છે, જ્યારે શાકભાજીના ભાવ તેની તુલનાયે વધુ છે, જોકે, હવે શિયાળાની સિઝન આવી રહી હોવાથી પંદરેક દિવસમાં શાકભાજીના ભાવો નીચા આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang