• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

વાગડમાં ખનિજચોરી સામે લાલઆંખ : 18 ટ્રક કબજે

રાપર, તા. 4 : વાગડમાં બેફામ ખનિજચોરી થઈ રહી છે. હાલ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ખનન બંધ થઈ ગયું હોવાની પરિસ્થિતિ વચ્ચે ગત મોડી રાત્રિથી આજે વહેલી સવાર દરમ્યાન 18 ગાડીઓ કબજે કરતાં ખનિજચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી દરમ્યાન કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ ફલાઈંગ સ્કવોડ દ્વારા લાકડિયા અને ગાગોદર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ગેરકાયદે ચાઈના કલેનું વહન કરતી 16 ટ્રક પકડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન 5.40 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કલેકટર અમિત અરોરાની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ખાણખનિજ વિભાગના મદદનીશ નિયામક મેહુલ શાહે લાકડિયા-આડેસર હાઇવે પર વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ગાગોદર ખાતેથી અન્ય બે ટ્રકો ને ગેરકાયદે ખનિજ વહન કરતાં ડમ્પર કબજે કરાયાં હતાં. ગત મોડી રાત્રિ દરમ્યાન કરાયેલી કાર્યવાહીમાં 18 ટ્રકો કબજે કરવામાં આવી છે. પકડી પાડવામાં આવેલો તમામ મુદ્દામાલ ગાગોદર અને લાકડિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે. એક ટ્રકના છ લાખના દંડ લેખે વાહન માલિકો પાસેથી કુલ રૂા. 54 લાખના દંડ વસૂલાતની કામગીરી ફલાઇંગ સ્કવોડ-કચ્છ દ્વારા આગામી સમયમાં કરાશે. કચ્છમાં આવી જ રીતે અનેક વાહનો ગેરકાયદેસર પરિવહન કરે છે. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પરિવહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અને પોતાના વાહનોના પૈડાં થંભાવી દીધાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સામખિયાળી, લાકડિયા સહિતના વાગડના વિસ્તારોમાં ખાણખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન માથાભારે શખ્સો અગાઉ પોલીસ મથકોમાંથી કે હાઈવે હોટેલો ઉપર કબજે  કરાયેલાં વાહનો છોડાવી જવાયાં હોવાના બનાવ પણ બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang