• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ખાવડામાં માતેલા સાંઢસમી ટ્રક ફરી વળતાં નિદ્રાધીન યુવાનનો જીવનદીપ બૂઝાયો

ગાંધીધામ, તા. 4 : કચ્છમાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના ત્રણ બનાવમાં ત્રણ માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. ભુજ તાલુકાના ખાવડામાં ખાટલા ઉપર સૂતેલા 22 વર્ષીય યુવાન ઉદેસિંગ ગોપસિંગને ટ્રકે હડફેટે લેતાં હતભાગી યુવાનનો જીવનદીપ બૂઝાઈ ગયો હતો. ભુજમાં ખારીનદીમાં કરમશી બુધા (ઉ.વ. પપ)ને ઝેરી જીવજંતુ કરડતાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. ગાંધીધામમાં રામપ્રશાંત રામકુમાર (ઉ.વ. 29)એ ગળાફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. અંજારના વિજય નગર ખાતે કડિયાકામ કરતાં પડી ગયેલા યુવાન ઈસ્માઈલ જુમા સમા (ઉ.વ. 30)નું તત્કાળ મોત નીપજ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલમાં નોંધાયેલી એમ.એલ.સી.માં જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના ખાવડામાં ગ્રીન અદાણીમાં માર્ગ અકસ્માતનો બનાવ ગત મોડી રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન બહારની સાઈડમાં ખાટલા ઉપર સૂતો હતો. આ દરમ્યાન જીજે-3-એચઈ-3283 નંબરની ટ્રકના ચાલકે  હતભાગી યુવાન ઉપર ટ્રક ચડાવી દીધી હતી. હતભાગી યુવાનને પ્રાથમિક સારવાર અદાણી ગ્રીન ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ  જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. ભુજના ખારીનદી સ્મશાન ગૃહ ખાતેના બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી આધેડને ગત તા. 1ના સવારના અરસામાં કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમણે દમ તોડી દીધો હતો. દરમ્યાન ગાંધીધામના સેક્ટર-4 વિસ્તારમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 3ના સવારે 10 વાગ્યાના અરસામાં સેક્ટર-4 પ્લોટ નં. 2012 ખાતે બન્યો  હતો. હતભાગી યુવાન રામ પ્રશાંતે કોઈ પણ કારણોસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. યુવાને પંખામાં રસ્સી વડે ગળાફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. દરમ્યાન અંજારના વિજય નગર ખાતે અકસ્માત મોતનો બનાવ આજે બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન કડિયાકામ કરતો હતો, ત્યારે છત ઉપરથી નીચે પટકાયો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સાંજે પાંચ વાગ્યાના અરસામાં યુવાને દમ તોડી દીધો હોવાનું ભુજ જનરલ હોસ્પિટલ ખાતે નોંધાયેલી એમ.એલ.સી.માં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang