ભુજ, તા. 4
: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રૂા. 15 કરોડની ફાળવણી તેમજ જીએમડીસી દ્વારા ફાળવેલા
5 કરોડ સહિત કુલ રૂા. 20 કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો
સમન્વય કરીને ક્રાંતિતીર્થનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું
હતું. મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થનાં લોકાર્પણ પ્રસંગે ઇન્ડિયા હાઉસ
અને વીરાંજલિ ગેલેરીનું પુન:નિમાર્ણ, અદ્યતન આર્કિટેકચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે
ઉમેરાયેલી લિફટ જેવી સુવિધાઓ નિહાળી હતી. મુખ્યમંત્રીએ વીરાંજલિ ગેલેરીમાં ક્રાંતિકારી
શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ, શિક્ષણ, દેશભ્રમણ, સ્વદેશગમન, કારકિર્દી, સ્વામી દયાનંદ
સાથે સક્રિયતા સહિતની તેમના વ્યકિતગત જીવન-કવનની સમગ્ર ઝાંખી નિહાળી હતી. ત્યારબાદ
બ્રિટિશ સામ્રાજ્યના ગઢ લંડનમાં 65 ક્રોમવેલ એવેન્યૂ સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આબેહૂબ
પ્રતિકૃતિ તરીકે સંપૂર્ણ પુન:નિર્માણ કરવામાં આવેલા ઇન્ડિયા હાઉસની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
પટેલે મુલાકાત લીધી હતી. ઐતિહાસિક દૃષ્ટિકોણ જાળવીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયેલા
ઇન્ડિયા હાઉસમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવનપ્રસંગો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના
વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પ્રદર્શિત કરાયેલા પેઇન્ટિંગ્સ, આધુનિક પ્રદર્શનો,
ઇન્ટરેકિટવ ડિસ્પ્લેબોર્ડસ અને ડિજિટલ ટચસક્રીન ટેકનોલોજીથી સજ્જ સમગ્ર માહિતીને મુખ્યમંત્રીએ
રસપૂર્વક નિહાળીને જરૂરી જાણકારી મેળવી હતી તથા શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પણ
કરી હતી. વન વિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વનવડ મોડેલ અન્વયે
કરવામાં આવેલી કામગીરી તથા સમાજિક વનીકરણ હેઠળ વનકવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા
20 હજાર રોપાની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી.