ગાંધીધામ, તા.
4 : ભુજ મધ્યે સંજોગનગરમાં પૈસાની લેતીદેતી મામલે છરી ઝીંકી યુવાનની ઘાતકી હત્યા નીપજાવાઈ
હતી. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હથિયાર કબજે કરી લીધું હતું.
ભુજ શહેર એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગુરુવારે ખૂનનો બનાવ
બન્યો હતો, જેમાં મરણજનાર રુઝેન અબ્દુલરજાક હિંગોરજા રહે. ભારતનગર -ભુજની ઇમરાન ઉર્ફે
વાલડી મુબારક જુણેજા રહે. મુસ્તફાનગર-ભુજએ પૈસાની લેવડદેવડ બાબતે છરીથી હુમલો કરી હત્યા
નીપજાવી હતી. બાદ આરોપી નાસી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. પરમારનાં માર્ગદર્શન
હેઠળ પોલીસ કર્મચારી તપાસમાં પરોવાયા હતા. આ દરમ્યાન આરોપી હાલે ખારસરા ગ્રાઉન્ડ નજીક
રાણાવાડી ખાડ પાસે સંતાયેલો હોવાની જાણ થતાં કાયદાના રક્ષકોએ તપાસ કરી તેને પકડી પાડયો
હતો અને ગુનામાં વપરાયેલી છરી કબજે કરાઇ હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,
ઇમરાન વિરુદ્ધ અગાઉ સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ મથકે લૂંટ સાથે મારામારી તથા ભુજ એ -ડિવિઝન
પોલીસમાં જાહેરનામાંનો ભંગ તથા ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો ગુનો નોંધાયો
હતો.