• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ઈઝરાયલ ખતમ થશે : ખોમેનીનો હુંકાર

નવી દિલ્હી, તા. 4 : ઈઝરાયલ ઉપર 200 જેટલી મિસાઈલથી હુમલો કર્યા બાદ પહેલી વખત ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેનીએ ભાષણ આપતાં દુનિયાભરના મુસ્લિમોને એકજૂથ થવા અપીલ કરી હતી. ખોમેનીએ કહ્યું હતું કે, ઇરાનનો મિસાઇલ હુમલો યોગ્ય હતો અને ઈઝરાયલનો નાશ થશે. દુશ્મનો પોતાની શૈતાની સરકાર વધારવા માટે છે. જો કે, મુસ્લિમ સાથે રહેશે તો તેનું ભલું થશે અને દુશ્મનોના મનસૂબા નાકામ થશે. તેમના દુશ્મન એક જ છે. એક તરફ ખોમેનીએ ભાષણ કર્યું હતું, તો બીજી તરફ ઈઝરાયલે લેબેનોન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર હાશેમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેને ઢેર કર્યો હતો. નસરલ્લાહનાં મોત બાદ હાશેમને ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. પાંચ વર્ષમાં પહેલી વખત ખોમેનીએ નમાજ બાદ જાહેરમાં સંબોધન કર્યું હતું. તેઓ રશિયન રાઈફલ સાથે દેખાયા હતા. આ દરમ્યાન ઈઝરાયલ ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અરબના મુસ્લિમ દેશોએ ઈરાનનો સાથ આપવો જોઈએ. મુસ્લિમ દેશોનો એક જ દુશ્મન છે અને તેને મળીને હરાવવો પડશે. હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહનાં મોત બાદ ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલ ઉપર ખોમેનીએ પ્રતિક્રિયા આપતાં હુમલાને યોગ્ય ગણાવ્યો હતો. પોતાના સંબોધનમાં ખોમેનીએ કહ્યું હતું કે, ઈઝરાયલને જવાબ આપવામાં ઉતાવળ કે વિલંબ કરવામાં આવશે નહીં. જરૂર પડયે બીજીવાર હુમલો કરશું. આ દરમ્યાન ઈઝરાયલે  લેબેનોનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર હાશેમ સફીદ્દીનને નિશાન બનાવ્યો હતો. સફીદ્દીન હિઝબુલ્લાહનો ભવિષ્યનો પ્રમુખ બને તેવી સંભાવના હતી.  નસરુલ્લાહનાં મોત બાદ આ વિસ્તારમાં અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો હતો. 2017માં હાશેમને અમેરિકા દ્વારા આતંકી ઘોષિત કરવામાં આવ્યો હતો. તે હિઝબુલ્લાહના રાજનીતિક મામલામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઈઝરાયલે લેબેનોન ઉપર વધારે ઘાતક હુમલાના સંકેત આપ્યા છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના ગામમાંથી લોકોને બને તેટલી ઝડપથી ચાલ્યા જવા કહ્યું છે. આ ચેતવણીથી ઈઝરાયલની કાર્યવાહીમાં વિસ્તારનો સંકેત મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang