વિશ્વ વ્યવસ્થામાં
જબ્બર બદલાવ આવી રહ્યો છે. ભારત જેવા એક સમયના વિકાસશીલ દેશનો અવાજ હવે યુનો સહિત સૌ
વિશ્વ સંસ્થાઓએ ગંભીરતાથી સાંભળવો પડે છે એમ છતાં અમેરિકા આજે પણ એ જ માનીને ચાલે છે
કે, તે દુનિયાની એકમાત્ર મહાસત્તા છે અને કોઇ પણ દેશ વિશે કંઇ પણ કહેવાનો અધિકાર ધરાવે
છે. હાલમાં જ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાપંચના અહેવાલમાં હળાહળ ખોટો
દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતી સમુદાયો પર હુમલા વધ્યા?છે. ભારત
સરકારે તાત્કાલિક પ્રતિભાવમાં આ અહેવાલને ખોટો લેખાવીને તેનો રદિયો આપી દીધો છે. અમેરિકાએ
પોતે કાચના ઘરમાં રહે છે એ સમજવું જોઇએ. ભારત સર્વધર્મ સમભાવમાં માનતો દેશ છે. અહીં
ધાર્મિક બાબતોને લઇને ક્યારેક સંઘર્ષ થયા હશે
અને થતા હશે, પરંતુ એક રાષ્ટ્ર તરીકેની માન્યતામાં કોઇ ફેર નથી પડયો. અહીં બંધારણે
સૌને સમાન અધિકાર આપ્યા?છે. અમેરિકીપંચના અહેવાલમાં એવા આક્ષેપ છે કે, ધાર્મિક લઘુમતીઓ
અને એમનાં પૂજાસ્થાનો પર હુમલા થયા છે. એટલું જ નહીં અહેવાલમાં મુસ્લિમ વિરોધ, વકફ
સુધારા વિધેયક, ગૌહત્યા વિરોધી કાયદા સહિતનો ઉલ્લેખ છે. ભારતે અહેવાલને પક્ષપાતી અને
રાજનીતિ પ્રેરિત લેખાવીને નકારી કાઢ્યો છે. જો બાયડન વહીવટી તંત્રએ અહેવાલના આધારે
ભારતને ધાર્મિક અધિકાર ઉલ્લંઘન કરતા વિશેષ ચિંતાના દેશોની યાદીમાં સામેલ કરવાની ભલામણ ફગાવી દીધી છે. અમેરિકા અને
તેના શાસકોએ સમજી લેવું જોઇએ કે ભારત હવે બદલાયું છે અને દુનિયાનો મત ભારત માટે બદલાઇ ચૂક્યો છે. એ હવે જી હજુરી કરનારો
કઠપૂતળી દેશ નથી. અમેરિકાનો તાલ અને તોર એવો
છે કે દુનિયામાં જાણે માનવાધિકારનું રક્ષણ કરનારો તે એકમાત્ર દેશ છે. વિદેશમંત્રી એસ.
જયશંકરે તાજેતરમાં લોકતંત્ર વિશે ભારતીય નીતિઓની થયેલી ટીકા સંદર્ભે હિંમતભર્યો જવાબ
આપ્યો કે, તમે ખરાબ ન લગાડજો. ભારતને પણ તમારી આંતરિક બાબતો વિશે ટિપ્પણી કરવાનો અધિકાર
છે. મીડિયામાં આ ટિપ્પણીની ચર્ચા છે. અમેરિકા અત્યાર સુધી એવું માનતું રહ્યું છે કે,
અભિવ્યક્તિની આઝાદી ફક્ત તેને જ છે. યુ.એસ.ના રાજનીતિજ્ઞો, અમીરો, બુદ્ધિજીવીઓ, મીડિયા
ન માત્ર?ભારત બલ્કે દુનિયાના દેશો વિશે કંઇ ને કંઇ પ્રતિક્રિયા જાહેર કરતા રહ્યા છે.
તેઓ અમેરિકાના હોવાથી એની આંતરરાષ્ટ્રીય મીડિયામાં નોંધ?પણ લેવાતી રહી છે. એવામાં એસ.
જયશંકરે સત્યને ઉજાગર કર્યું છે કે, વિદેશી હસ્તક્ષેપ વિદેશી હસ્તક્ષેપ જ છે... ભલે
એ કોઇ પણ દેશ તરફથી આવે.... બીજાને શીખામણ આપવાની આદત ધરાવતા અમેરિકાએ પોતાની ભીતર
ડોકિયું કરવાની જરૂર છે. વૈશ્વિક રાજનીતિના નિષ્ણાતો માને છે કે, અમેરિકાની જગત જમાદારી
પાછળ તેની અસુરક્ષિતતાની ભાવના પણ કેટલેક અંશે જવાબદાર છે. ભારતને લગતી બાબતો, આપણી ધાર્મિક બાબતો, કાયદો વ્યવસ્થા
વિશે ટિપ્પણી કરતાં પહેલાં અમેરિકાએ ભારતની સંપ્રભુતા, સર્વધર્મ સમભાવ, મહાન સંસ્કૃતિ
જેવી વિશેષતાઓ ધ્યાને લેવી જોઇએ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભારત વૈશ્વિકમંચનું
એક અગત્યનું પાત્ર બન્યું છે એ પણ રખે ભૂલાતું.