• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

દબાણ સામે સુપ્રીમ સખ્ત

સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં બુલડોઝર એક્શન સામે આપેલો સ્ટે યથાવત્ રાખ્યો છે અને આ મુદ્દે તેનો નિર્ણય અનામત રાખ્યો છે. કોર્ટે રાજ્યો દ્વારા આરોપી કે દોષિતોની મિલકતો પર બદલાની ભાવનાથી બુલડોઝર ફેરવી શકે નહીં એવી ટિપ્પણી કરી છે. સાથે જ મંદિર હોય કે દરગાહ, તેને રસ્તા વચ્ચેથી હટાવવાં જ પડશે, એવી સ્પષ્ટ વાત પણ કરી છે. લોકોની સુરક્ષા મહત્ત્વની છે. ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર હોવાથી બુલડોઝર એક્શનને લગતો આદેશ દેશના તમામ નાગરિકોને લાગુ પડશે. કોર્ટે કહ્યું છે કે, મંદિર હોય કે મસ્જિદ તે રસ્તા કે જળમાર્ગ કે રેલવે ટ્રેકને અવરોધતાં હોય તો કોઈપણ ધાર્મિક ઈમારતને હટાવવી જ પડશે. કોર્ટે કહ્યું છે કે, તમામ ગેરકાયદે બાંધકામ માટે એકસમાન કાયદો હોવો જરૂરી છે, જે ધર્મ પર નિર્ભર નહીં હોવો જોઈએ. સરકારી કે ખાનગી ભૂમિ પર કબજા માટે ધાર્મિક સ્થળોનું ગેરકાયદે નિર્માણ કરવામાં આવે છે, એ વાત છાની રહી નથી. હવે તો વનભૂમિ પણ આવાં તરકટોનો ભોગ બની છે. જો કે, આસ્થાનાં નામ પર આવાં ગેરકાયદે સ્થળોને હટાવવાને બદલે બચાવવામાં આવે છે, આથી જમીન પચાવી પાડવામાં રસ ધરાવનારાઓ બેફામ બન્યા છે. એટલે સુપ્રીમ કોર્ટની બુલડોઝર કાર્યવાહી પર દિશા-નિર્દેશ ઉચિત જ છે કે, કોઈપણ ધાર્મિક સ્થળ હોય તેનું માર્ગમાં બાંધકામ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે, રસ્તાની વચ્ચોવચ કે વાહનવ્યવહારમાં બાધક બનનારાં ધાર્મિક સ્થળોને હટાવવામાં આવે, પણ આજ સુધી તેનો અમલ નથી થઈ શક્યો. આનાં કારણોનું વિશ્લેષણ થવું જોઈએ, તો અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામોની રાષ્ટ્રવ્યાપી સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. જોવાનું એ છે કે, દબાણનો હેતુ ધાર્મિક કરતાં મોકાની જગ્યા પર કબજો જમાવવાનો હોય છે. ધાર્મિક પ્રવૃત્તિ જોતજોતામાં વિસ્તરે છે અને એ દબાણ પણ વિસ્તરતું જાય છે. સર્વોચ્ચ અદાલતનો આદેશ સ્પષ્ટ અને પારદર્શક છે કે, ચાહે કોઇપણ ધર્મનું દબાણ હોય, જો વ્યવસ્થામાં અવરોધ ઊભો થતો હોય તો તે હટાવવું જ રહ્યું. મોટા ભાગનાં આવાં બાંધકામો વિરુદ્ધ લોકો અવાજ ઉઠાવતા નથી, પણ જે અનધિકૃત બાંધકામો સામે વિરોધ થાય છે તો પછી તંત્ર તેઓને નોટિસ આપતું હોય છે, પણ સંબંધિતો કોર્ટમાં જઈ સ્ટે લઈ આવે છે, જેને લઈ બાંધકામનો વાળ વાંકો નથી થતો. જો કે, હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, તે એવો સ્પષ્ટ નિર્દેશ આપશે કે, અવરજવરમાં અવરોધરૂપ બનતાં કોઈપણ બાંધકામને નહીં ચલાવી લેવામાં આવે અને તોડી પાડવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશથી આશા રાખીએ કે, ગેરકાયદે બાંધકામો બચાવવાની બધી છટકબારીઓ બંધ થઈ જશે. જો કે, આ જવાબદારી સહિયારી છે, એ ન ભુલાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang