જમ્મુ અને કાશ્મીરના
લોકોએ લોકશાહીમાં વિશ્વાસની પુન:સ્થાપના કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભારે મતદાનનો ઉત્સાહ
બતાવીને આ અશાંત રહેલાં રાજ્યમાં અલગતાવાદી અને આતંકી ભયને પરાસ્ત કર્યો છે. છેલ્લાં
દસ વર્ષ બાદ યોજાઇ રહેલી ચૂંટણીના ત્રણ તબક્કા પૂરા થઇ ગયા છે, ત્યારે મતદાનના આંકડા
લોકોના મિજાજનું પ્રતિબિંબ પાડે છે. આ ચૂંટણીમાં પરિણામ ગમે તેની તરફે આવે, પણ લોકશાહીનો
વિજય થયો છે એટલું નક્કી છે. આમ, આવનારા સમયમાં આ અશાંત રાજ્યમાં આતંક અને અલગતાવાદને
દેશવટો મળશે એવી આશા મજબૂત થઇ છે. નવાં સીમાંકન બાદ રાજ્યમાં વિધાનસભાની 83 બેઠક વધીને
90 થઇ છે. કલમ 370 હટયા બાદની આ પ્રથમ ચૂંટણીમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ
જોડાણ, પીડીપી ઉપરાંત અન્ય નાના પક્ષો મેદાનમાં છે. સૌથી મહત્ત્વની બાબત આ ચાવીરૂપ
ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ યોજાયું અને આતંકી હિંસાની આશંકા ખોટી ઠરી તે ખરેખર રાહતરૂપ
બાબત છે. વળી, અત્યાર સુધી લોકશાહીની આ ફરજ અને અધિકારથી વંચિત રહી ગયા હતા, એવા સંખ્યાબંધ
મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. સ્વાભાવિક રીતે કલમ 370નો મુદ્દો આ વખતે ચૂંટણીમાં
અગ્રસ્થાને છે. કોંગ્રેસ અને એનસી આ મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે. આઠમી ઓક્ટોબરે
પરિણામ ગમે તે આવે, પણ આ ચૂંટણી જમ્મુ અને કાશ્મીરને દેશની મુખ્યધારા સાથે જોડવામાં
ચાવીરૂપ બની એ બાબત ઇતિહાસમાં નોંધાઇ જશે. હાલમાં યોજાયેલા મતદાનના ત્રીજા તબક્કામાં
વિધાનસભાની 40 બેઠક પર મત નખાયા હતા. સાત જિલ્લાની આ બેઠકો પર સરેરાશ 65.65 ટકા મતદાન
થયું, જેમાં સૌથી વધુ ઉધમપુરમાં 72.91 ટકા અને સૌથી ઓછું 55.73 ટકા બારામુલામાં મતદાન
થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ત્રીજા તબક્કાનાં મતદાનમાં સંસદ હુમલાના માસ્ટર માઇન્ડ
અફઝલ ગુરુનો ભાઇ એઝાજ અહમદ ગુરુ સોપોર બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ
વખતે ચૂંટણીના પ્રથમ તબક્કામાં 61.38 ટકા અને બીજા તબક્કામાં 57.31 ટકા મતદાન થયું
હતું. સામાન્ય રીતે 370મી કલમ રદ કરવાના સમયગાળા અગાઉ આતંકના ઓછાયા તળે રાજ્યમાં મતદાનની
ટકાવારી 30 ટકાની આસપાસ રહેતી હતી. તે સમયે
આતંકવાદીઓ મતદારોને ડરાવતા હતા અને મતદારોને પણ મતદાન કરવામાં રસ જણાતો ન હતો, પણ હવે
ચિત્ર બદલાયું છે. 370મી કલમ રદ થયા બાદ રાજ્યમાં
વિકાસનાં દ્વાર ખુલ્યા છે કે નહીં તેનો ચુકાદો આ ચૂંટણી આપશે એમાં કોઇ શંકા જણાતી નથી.
આ વખતે લોકો સ્વયંભૂ મતદાન માટે બહાર આવ્યા અને ઉત્સાહ બતાવ્યો તે લોકશાહીનાં પર્વનો
વિજય ગણી શકાય. લોકોને એ વાત હવે ગળે ઊતરી ચૂકી છે કે, ભારતમાં હિસ્સો બની રહેવાથી
રાજ્યમાં વિકાસ વધી રહ્યો છે. ખાસ તો પ્રવાસન ઉદ્યોગ અને અન્ય આર્થિક પ્રવૃત્તિ સતત
વધી છે. સરવાળે રાજ્યના લોકોમાં આ વાતની પ્રતીતિ
વધુ મજબૂત બની છે.