• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ન્યાયાલયો શાલીન થશે?

સુપ્રીમ કોર્ટે ઉચિત જ કહ્યું છે કે અદાલતોએ મહિલાઓ પર ટિપ્પણ કરતી વેળા નારી-દ્વેષથી ભરેલી અને પ્રતિકૂળ પ્રભાવ નાખનારી ભાષા પર નિયંત્રણ રાખવું જોઈએ. આવી ટિપ્પણીઓની અસર નકારાત્મક હોય છે, જેનાથી ન્યાયાધીશની છબી ખરાબ થવાની સાથે આખું ન્યાયતંત્ર આરોપીના પાંજરામાં ઊભું થઈ જાય છે. સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણ હાઈ કોર્ટની એ વાત સંદર્ભમાં કરી છે, જેમાં કહેવાયું હતું કે મેકઅપની સામગ્રીઓ વિધવાના શાં કામની? દેખીતી રીતે જ આ ટિપ્પણી નકારાત્મક છે. આ ત્રી-દાક્ષિણ્ય અને શાલીનતાની વિરુદ્ધ પણ છે. માનનીય અદાલત કોઈ ટિપ્પણી કરે છે, ત્યારે તેનો પ્રભાવ બહુ વ્યાપક હોય છે. જોકે, આ આખો મામલો પણ સમજવો જરૂરી છે. એક મહિલા ગુમ થયા બાદ તેની હત્યાનો આ મામલો હતો. તેનું અપહરણ, તે જ્યાં રહેતી હતી ત્યાંથી કરાયું હતું કે નહીં એ બાબતે સ્પષ્ટતા નહોતી. વળી, જે ઓરડામાં તે રહેતી હતી ત્યાં મેકઅપની સામગ્રી મળી આવી હતી. આગળ જતાં તપાસમાં સ્પષ્ટ થયું કે તેની સાથે એક વિધવા પણ રહેતી હતી. હાઈ કોર્ટની ટિપ્પણ આ સંદર્ભમાં હતી. આ પ્રકરણ પહેલાં કર્ણાટક હાઈ કોર્ટના એક ન્યાયાધીશનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેમણે મહિલા વકીલની વિરુદ્ધ અસંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણ કરી હતી. વીડિયોમાં મહિલા વકીલને કહેવામાં આવ્યું હતું કે તેઓ સામેના પક્ષ વિશે ઘણું બધું જાણે છે. એટલું કે આગળ જતાં તેઓ તેમના અંડરગાર્મેન્ટ્સનો રંગ પણ કહી શકે છે. આ પ્રકરણમાં પણ સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આવી ટિપ્પણો વાંધાજનક છે. આવાં પ્રકરણોમાં ક્યાંકને ક્યાંક મહિલાવિરોધી વિચાર દર્શાવે છે અને સંકેત આપે છે કે `સ્કૂલ અૉફ ડિસેન્સી' કહેવાતી આપણી કોર્ટોને હજી શાલીન થવું બાકી છે. સ્પષ્ટ છે, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા એ તમામ લોકોને શિક્ષણ મળવું જોઈએ કે, મહિલાઓ સંબંધિત પ્રકરણોમાં કેવી સંવેદનશીલતા તેઓએ દાખવવી જોઈએ. વકીલો માટે પણ એ દિશા-નિર્દેશ તો છે. તેઓએ કેવાં કપડાં પહેરી કોર્ટમાં આવવું જોઈએ, કેવા પ્રકારનું આચરણ દાખવવું જોઈએ અને દલીલો કેવી શાલીનતાથી કરવી જોઈએ, પણ મહિલાઓ પ્રત્યેના વ્યવહારને લઈ કોઈ સ્પષ્ટ દિશા-નિર્દેશ નહીં હોવાના કારણે આવી ટિપ્પણીઓ અવારનવાર થાય છે. કોર્ટોમાં અશ્લીલ સવાલ જવાબને ખતમ કરી નાખવામાં આવ્યા છે. મહિલાવિરોધી ટિપ્પણો પણ ઇતિહાસ બની જવી જોઈએ. મહિલાવિરોધી ટિપ્પણ કરનારાઓને આરોપીના પાંજરામાં ઊભા કરાશે ત્યારે જ આનો અંત આવશે. આવા લોકો દંડિત થતા જ મહિલાવિરોધી ટિપ્પણો પણ આપોઆપ બંધ થઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang